

ગાંધીનગર, 04 મે (હિ.સ.) : ગાંધીનગરના નાગરિકોમાં સેવાની ભાવના જગાડવા અને બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે GRWA, ધ સ્ટાટેલી સામવેદ, એન.એ. આર. ભારત, ક્રેડાઈ ગાંધીનગર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ગાંધીનગર જિલ્લા શાખા) દ્વારા, તાજેતરમાં રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કુડાસણ સ્થિત હોટલ પ્રોમીનેન્ટ ખાતે યોજાયેલા આ સેવાયજ્ઞમાં શહેરના રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખ ડૉ. આશિષકુમાર દવે, ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ તેમજ સામવેદ ગ્રૂપના ફાઉન્ડર અને જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, ગાંધીનગર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે, અને આજની આ શિબિર થેલેસેમિયા પીડિત બાળકો અને ઇમરજન્સી દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. શિબિર દરમિયાન કુલ ૧૨૧ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોની સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓએ પણ પ્રથમવાર રક્તદાન કરી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી.
રક્તદાતાઓ માટે અલ્પાહાર અને વિશ્રામની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક રક્તદાતાને પ્રોત્સાહન રૂપે 'બ્લડ ડોનર કાર્ડ', પ્રશંસાપત્ર અને સ્મૃતિ ભેટ એનાયત કરવામાં આવ્યા હતા. મેડિકલ ટીમ અને સ્વયંસેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આયોજકો દ્વારા, આગામી સમયમાં પણ આવા કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી છે જેથી બ્લડ બેંકમાં રક્તની અછત ન સર્જાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ