


પોરબંદર, 04 મે (હિ.સ.)પોરબંદર શહેરમાં ફિટનેસ અને સાયક્લિંગના ક્ષેત્રે ક્રાંતિ લાવનાર અગ્રેસર સંસ્થા ‘પોરબંદર સાયક્લિંગ ક્લબ' દ્વારા વર્ષ 2026 ના આગામી સત્ર માટે નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. ક્લબની જનરલ બોડી મીટિંગમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ નવી ટીમની વરણી કરવામાં આવી છે, જેને શહેરના ખેલ જગત અને સાયક્લિંગ પ્રેમીઓએ ઉમળકાભેર વધાવી લીધી છે.
ક્લબના પ્રમુખ પદની મહત્વની જવાબદારી જાણીતા સાયક્લિસ્ટ ધવલભાઈ રાયચુરાને સોંપવામાં આવી છે. તેમની સાથે સેક્રેટરી તરીકે આકાશભાઈ લાખાણી અને ટ્રેઝરર તરીકે હાર્દિકભાઈ લાખાણીની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે કાર્યભાર સંભાળતાની સાથે જ પોરબંદરના સાયક્લિંગ ઈતિહાસની એક સાહસિક મેગા ઈવેન્ટની જાહેરાત કરી છે. આગામી તારીખ 30/05/2026 ના રોજ પોરબંદર થી ‘બરડા ડુંગર પરિક્રમા' સુધીની 100 કિમીની મુનલાઈટ સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે.
રાત્રિના શીતળ વાતાવરણમાં અને ચંદ્રના પ્રકાશમાં સાયક્લિંગ કરવાનો આ અનુભવ સાયકલિસ્ટો માટે જીવનભરનું સંભારણું બની રહેશે. 12 વર્ષથી ઉપરની ઉંમરના ભાઈઓ, બહેનો તથા બાળકો આ રાઈડમાં જોડાઈ શકશે. લોકોમાં શારીરિક ક્ષમતા વધારવી, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવી અને સાયક્લિંગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવો.
100 કિમીનું અંતર કાપવા માટે ક્લબ દ્વારા તારીખ 11/05 થી 20/05 સુધી ખાસ તાલીમ શિબિર રાખવામાં આવી છે. જેમાં અનુભવી સાયકલિસ્ટો દ્વારા સ્ટેમિના બિલ્ડિંગ, રાત્રિ સાયક્લિંગની સાવચેતી અને સાયકલ મેન્ટેનન્સની ટિપ્સ આપવામાં આવશે. આ મેગા ઇવેન્ટને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન તરીકે આકાશભાઈ લાખાણી અને કો-પ્રોજેક્ટ ચેરમેન તરીકે પાર્થભાઈ પટેલ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર ટીમ આ આયોજનને ઐતિહાસિક બનાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. નવનિયુક્ત પ્રમુખ ધવલભાઈ રાયચુરાએ જણાવ્યું હતું કે, “પોરબંદર સાયક્લિંગ ક્લબ હંમેશા સ્વાસ્થ્ય અને સાહસને પ્રાધાન્ય આપે છે. આ 100 કિમીની રાઈડ માત્ર એક ઇવેન્ટ નથી, પણ તમારી ઈચ્છાશક્તિની કસોટી છે.
અમે ઈચ્છીએ છીએ કે પોરબંદરના વધુને વધુ લોકો પોતાની લાઈફસ્ટાઈલમાં સાયકલને સ્થાન આપે.” આ મેગા રાઈડમાં જોડાવા માટે ઈચ્છુક નાગરિકોએ ક્લબના કાર્યાલય અથવા સોશિયલ મીડિયા પેજ પર સંપર્ક કરી વહેલી તકે પોતાની નોંધણી કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya