
વલસાડ, 04 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા એસ.ઓ.જી. ટીમે નાનાપોંઢા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝીવ સામગ્રી સાથે એક આરોપીને ઝડપી પાડી મોટી કામગીરી કરી છે. પોલીસ દ્વારા મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના નિર્દેશ મુજબ એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી. તે દરમિયાન હ્યુમન સોર્સ દ્વારા મળેલ માહિતીના આધારે કાકડકોપર ગામ ખાતે સાઇબાબા મંદિર સામે આવેલી દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન દુકાનમાંથી આરોપી પ્રદિપભાઈ બાબુભાઈ ગવળી (ઉંમર 35, રહે. કાકડકોપર, નાનાપોંઢા) પાસેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ એક્સપ્લોઝીવ સામગ્રી મળી આવી હતી. જેમાં 4 ઇલેક્ટ્રિક ડિટોનેટર, 95 ખાલી કેપ, 21 જીલેટીન સ્ટિક, ઇલેક્ટ્રિક વાયર તથા અન્ય સામાન સહિત કુલ રૂ. 28,220 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે. તેની સામે પ્રોહીબિશન એક્ટ તથા અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયેલા છે.
આ મામલે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 288, 54 તેમજ એક્સપ્લોઝીવ એક્ટ 1884 અને એક્સપ્લોઝીવ સબસ્ટન્સીસ એક્ટ 1908 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ વધુ તપાસ નાનાપોંઢા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી. પરમાર, પી.એસ.આઈ. વાય.પી. હડિયા સહિત એસ.ઓ.જી. ટીમના અન્ય અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha