મહિલા હેલ્પલાઇન 181 દ્વારા, નાબાલિક દીકરીને માર્ગદર્શન આપી માતા-દીકરી વચ્ચે સુમેળ સ્થાપિત
જુનાગઢ 4 મે (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડવામાં આવતી હોય છે. જે અન્વયે ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર એક પીડિતા બહેન દ્વારા ટેલિફોનિક કોલ પ્રાપ્ત થયો હતો, જ
મહિલા હેલ્પલાઇન 181 દ્વારા, નાબાલિક દીકરીને માર્ગદર્શન આપી માતા-દીકરી વચ્ચે સુમેળ સ્થાપિત


જુનાગઢ 4 મે (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડવામાં આવતી હોય છે. જે અન્વયે ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર એક પીડિતા બહેન દ્વારા ટેલિફોનિક કોલ પ્રાપ્ત થયો હતો, જેમાં તેમણે પોતાની ૧૩ વર્ષની નાબાલિક દીકરીને યોગ્ય માર્ગદર્શન અને સમજ આપવા માટે સહાય માંગી હતી. કોલ મળતા જ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.

સ્થળ પર પહોંચતા ટીમ દ્વારા પીડિતા બહેન તેમજ તેમની નાબાલિક દીકરીનું સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પીડિતા બહેન દ્વારા જણાવાયું હતું કે તેમના પતિનું અગાઉ બીમારીના કારણે અવસાન થયેલ છે અને હાલ તેઓ મજૂરી કરીને પોતાનું તથા દીકરીનું ગુજરાન ચલાવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરી મોબાઇલ ફોન મારફતે અજાણ્યા છોકરાઓ સાથે સોશિયલ મીડિયા અને ફોન પર સંપર્કમાં રહેતી હતી. દીકરીની નાબાલિક વયને ધ્યાનમાં રાખીને માતાએ મોબાઇલ ઉપયોગ પર નિયંત્રણ મૂકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દીકરી દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હતું અને અન્ય સ્થળેથી મોબાઇલ મેળવી ફરી સંપર્કમાં રહેતી હોવાનું સામે આવ્યું હતું.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ૧૮૧ ટીમ દ્વારા નાબાલિક દીકરીને કાયદાકીય જાગૃતિ આપવામાં આવી હતી. ખાસ કરીને સાયબર સુરક્ષા, સોશિયલ મીડિયા ઉપયોગના જોખમો અને નાબાલિક વયમાં અજાણ્યા લોકો સાથે સંપર્કના સંભવિત કાનૂની પરિણામો અંગે સમજ આપવામાં આવી હતી. સાથે સાથે દીકરીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવવા પ્રેરિત કરવામાં આવી હતી. કાઉન્સેલિંગના અંતે, નાબાલિક દીકરીએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવા વર્તનથી દૂર રહેવાની તેમજ માતા સાથે સારુ વર્તન રાખવાની ખાતરી આપી હતી.

આ રીતે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા, સમયસર માતા અને દીકરી વચ્ચે સુમેળ સ્થાપિત કરવામાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી હતી. પીડિતા બહેન દ્વારા ટીમની આ કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande