
જુનાગઢ 4 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ તા. ૩૦ એપ્રિલ થી ૨ મે ૨૦૨૬ દરમ્યાન જૂનાગઢ જિલ્લાના વડાલ ખાતે સ્થિત શૂન્યતા ઇકો રિસોર્ટમાં ત્રિ-દિવસીય “યોગ ટ્રેનર્સ રિફ્રેશર પ્રશિક્ષણ શિબિર”નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
આ પવિત્ર યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીના સાનિધ્યમાં યોજાઈ હતી. શિબિર દરમિયાન યોગના આધ્યાત્મિક, શારીરિક અને માનસિક પરિમાણો વિષે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ શિબિરમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને અમરેલી જિલ્લાઓમાંથી કુલ ૨૫૦ જેટલા યોગ ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસ દરમ્યાન ટ્રેનર્સને વિવિધ યોગાસન, પ્રાણાયામ, ધ્યાન તથા આધ્યાત્મિક જીવનશૈલી અંગે પ્રયોગાત્મક અને સુવ્યવસ્થિત તાલીમ આપવામાં આવી.
શિબિર દરમ્યાન યોગ દ્વારા શરીર, મન અને આત્માના સંતુલન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના પરિણામે તમામ ટ્રેનર્સને અનોખો અને પ્રેરણાદાયક અનુભવ થયો. આ તાલીમ દ્વારા પ્રાપ્ત થયેલ જ્ઞાન હવે તેઓ પોતાના વિસ્તારોમાં વધુને વધુ લોકો સુધી પહોંચાડશે.
આ સમગ્ર કાર્યક્રમમાળાનું આયોજન સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી તેમજ ત્રણ ઝોન કોર્ડિનેટર, બે મનપા કોર્ડિનેટર તેમજ ચાર જિલ્લા કોર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ શિબિર યોગ ક્ષેત્રે કાર્યરત ટ્રેનર્સ અને સાધકો માટે નવી દિશા, પ્રેરણા અને સેવા ભાવના પ્રસ્થાપિત કરનાર સાબિત થઈ છે તથા યોગના વ્યાપક પ્રસાર માટે મજબૂત પાયો ઉભો કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ