
કચ્છ, 04 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ચોરીની મિલ્કતો તેમજ આધાર-પુરાવા વગરની શંકાસ્પદ ચીજવસ્તુઓની હેરફેર રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લાના પોલીસ વડાઓની સ્પષ્ટ સૂચના બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ ભુજની ટીમ સતત મેદાનમાં સક્રિય બની છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહી છે. આવી જ એક અસરકારક કાર્યવાહીમાં માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારેથી આધાર-પુરાવા વગરના કોપરના વાયરો, પટ્ટીઓ અને નટ-બોલ્ટ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં વધતા ચોરીના બનાવો પર નિયંત્રણ મેળવવા, શંકાસ્પદ માલસામાનની ગેરવહીવટ અટકાવવા અને આવા કૃત્યોમાં સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માટે સજ્જ રાખવામાં આવી હતી.
તે દરમિયાન એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ, મૂળરાજભાઈ ગઢવી, સુરજભાઈ વેગડા અને રાજેશભાઈ ગઢવી આધુનિક સાધનો સાથે માંડવી મરીન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. પેટ્રોલિંગ દરમિયાન નાના ભાડિયા ગામના બસ સ્ટેશન નજીક પહોંચતા ટીમને ખાનગી રાહે ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે અસલમ હુશેન કુંભાર નામનો એક વ્યક્તિ ટાટા કંપનીના છોટા હાથી વાહનમાં ઘરવખરીના વાસણો સાથે કોપર કેબલ, કોપરની પટ્ટીઓ અને નટ-બોલ્ટનો જથ્થો છુપાવીને વેચાણ માટે લઇ જઇ રહ્યો છે અને તેની પાસે આ માલસામાનના કોઇ કાયદેસર દસ્તાવેજો ઉપલબ્ધ નથી.
બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક વર્કઆઉટ હાથ ધરીને શંકાસ્પદ વાહનને અટકાવ્યું હતું. તપાસ દરમિયાન વાહનના પાછળના ભાગમાં ઘરવખરીનો સામાન અને વાસણો રાખવામાં આવ્યા હતા, પરંતુ તેની આડમાં રાખવામાં આવેલા ત્રણ પ્લાસ્ટિકના થેલાઓમાં કોપરના વાયર, પટ્ટીઓ તથા નટ-બોલ્ટ મળી આવ્યા હતા. પોલીસે જ્યારે વાહનચાલક પાસે આ માલસામાન અંગે બિલ, ખરીદીનો પુરાવો કે અન્ય આધાર દસ્તાવેજોની માંગણી કરી ત્યારે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.
આથી પોલીસે સમગ્ર જથ્થાને શંકાસ્પદ મિલ્કત ગણાવી બી.એન.એસ.એસ. કલમ 106 મુજબ કબ્જે કર્યો હતો તેમજ સંડોવાયેલા ઇસમને બી.એન.એસ.એસ. કલમ 35(1)(ઇ) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીથી ચોરીના કોપર કેબલના ગેરવેપાર સાથે જોડાયેલી સંભવિત કડી બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે ઇસમના કબ્જામાંથી અંદાજે 65 કિલોગ્રામ વજનના કોપરના વાયર, પટ્ટીઓ તથા નટ-બોલ્ટ મળી કુલ રૂ.39 હજારનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉપરાંત માલસામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલ ટાટા કંપનીનો છોટા હાથી વાહન, રજીસ્ટ્રેશન નંબર GJ 01 CU 2504, કિંમતે રૂ.2 લાખનો કબ્જે લેવામાં આવ્યો હતો. આમ કુલ રૂ.2.39 લાખનો મુદ્દામાલ પોલીસ હસ્તગત થયો છે.
પકડાયેલ આરોપીની ઓળખ અસલમ હુશેન કુંભાર (ઉંમર 37), વ્યવસાયે મજૂર, રહેવાસી ગુંદિયારી તાલુકો માંડવી, જિલ્લા કચ્છ તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં મળતી માહિતીના આધારે પોલીસે હવે આ કોપરનો જથ્થો ક્યાંથી મેળવાયો, શું તે ચોરીની મિલ્કત છે કે નહીં અને અન્ય કોઈ લોકો આ ગેરવહીવટમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ કચ્છ પોલીસની આ ઝડપી અને સતર્ક કાર્યવાહીથી જિલ્લામાં ચોરીની મિલ્કતોના ગેરવેચાણમાં સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ આવી ગેરકાયદેસર હેરફેર સામે સઘન અભિયાન યથાવત રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar