પાલીતાણાની અનાથ દીકરીના લગ્ને જગાવી માનવતાની મિસાલ: સહકારથી સાકાર થયું સપનું
ભાવનગર, 04 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક સંવેદનશીલ ઘટનાએ માનવતાનો જીવંત દાખલો રજૂ કર્યો છે. માતા-પિતાના સ્નેહથી વંચિત બે બહેનો—પૂજાબેન અને તેની નાની બહેન પાયલ—દાદીમાના આશ્રય હેઠળ જીવન જીવી રહી હતી. આવા સંજોગોમાં પૂજાબેનના લગ્ન પરિવાર
ભાવનગર


ભાવનગર, 04 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં એક સંવેદનશીલ ઘટનાએ માનવતાનો જીવંત દાખલો રજૂ કર્યો છે. માતા-પિતાના સ્નેહથી વંચિત બે બહેનો—પૂજાબેન અને તેની નાની બહેન પાયલ—દાદીમાના આશ્રય હેઠળ જીવન જીવી રહી હતી. આવા સંજોગોમાં પૂજાબેનના લગ્ન પરિવાર માટે મોટી ચિંતાનો વિષય બન્યા હતા, કારણ કે આર્થિક સંજોગો નબળા હોવાથી લગ્નની તૈયારીઓ કરવી મુશ્કેલ બની રહી હતી.

આ હકીકત સોશિયલ મીડિયામાં પ્રસરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચી. મુખ્યમંત્રીએ તરત જ સંવેદના વ્યક્ત કરી અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું. તંત્રની ટીમે વિલંબ કર્યા વગર સ્થળ પર પહોંચી પરિવારની પરિસ્થિતિ જાણી અને સહાય માટે પગલાં લીધાં.

સોશિયલ મીડિયા પર કરાયેલી નમ્ર અપીલે આશ્ચર્યજનક પ્રતિસાદ મળ્યો. અજાણ્યા હોવા છતાં અનેક દાતાઓએ દિલથી જોડાઈ પૂજાબેનના લગ્નને યાદગાર બનાવવા માટે આગળ આવ્યા. તળાજાના પાવઠી ગામના અલખધણી ગ્રુપે ભોજન અને કરિયાવરની જવાબદારી સંભાળી, જ્યારે ગારિયાધારના જાળિયા ગામના મયુરી મંડપે લાઇટિંગ, ડેકોરેશન, વાસણ અને ડી.જે. જેવી તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક પૂરી પાડી.

ભાવનગર જિલ્લા તંત્ર દ્વારા સતત સંપર્ક રાખતા હવે પરિવારના ચહેરા પર ચિંતા નહીં પરંતુ સંતોષ અને આભારની લાગણી જોવા મળી રહી છે. પરિવારજનોએ જણાવ્યું કે હાલ કોઈ વધારાની જરૂરિયાત નથી. પાલીતાણા પ્રાંત અધિકારીએ પણ લગ્ન પ્રસંગે હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા.

આ ઘટના બતાવે છે કે સંવેદના, સહકાર અને માનવતા એક થાય ત્યારે કોઈપણ મુશ્કેલી અડચણ બની શકતી નથી. મુખ્યમંત્રીની લાગણી અને સમાજના સહયોગે એક અનાથ દીકરીનું સપનું સાકાર કરી સમાજમાં પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande