
અમરેલી, 04 મે (હિ.સ.) : અમરેલી આરટીઓ કચેરીબખાતે દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે. કચેરીના કંપાઉન્ડમાં લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડેલા વાહનોમાંથી આ બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા, જેના કારણે શંકાનો માહોલ ઉભો થયો છે.
મળતી માહિતી મુજબ, તા. ૩૦ના રોજ બપોરે આશરે અઢી વાગ્યાના સમયે બે યુવાનો કચેરીના મેઈન ગેટ પર એન્ટ્રી કર્યા વગર સીધા કંપાઉન્ડમાં પ્રવેશી ગયા હતા. તેઓએ ત્યાં પડેલા એક આઈસર ટ્રકના કેબીનની તપાસ કરતાં દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ મામલે તેમણે સ્ટાફ અને અધિકારીઓ વિરુદ્ધ આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો.
સિક્યુરિટી ગાર્ડ હિમ્મતભાઈ કરમશીભાઈ જાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્યારબાદ સ્ટાફ સાથે મળીને વધુ તપાસ કરતાં બે અલગ-અલગ વાહનોમાંથી ખાલી બોટલો અને ટીન મળી આવ્યા હતા. આ બોટલો ઉપર ધૂળ-માટી ચડી ગયેલી હોવાથી અંદાજે ૧થી ૨ વર્ષ જૂની હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
સરકારી કચેરીના પરિસરમાં આવી ઘટના સામે આવતા પ્રશ્નો ઉઠ્યા છે. આ બોટલો કોણે અને ક્યારે મૂકી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai