
પાટણ, 04 મે (હિ.સ.) : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે પાંચ થીમ આધારિત “રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. તેની પ્રથમ ત્રણ દિવસીય શ્રેણી “વૈજ્ઞાનિક કેવી રીતે બનવું” વિષય પર સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
પ્રથમ દિવસે ISRO ના ડૉ. કંદર્પ પંડ્યા અને એચ.એન.જી.યુ.ના આસિસ્ટન્ટ પ્રોફેસર આશિષ કુમાર મોદીએ માર્ગદર્શન આપ્યું, ત્યારબાદ વિદ્યાર્થીઓએ રાસાયણિક પ્રયોગો કર્યા, પાત્રાભિનય રજૂ કર્યો અને આકાશ દર્શનનો આનંદ માણ્યો.
બીજા દિવસે દેવલબેન વ્યાસે ‘જ્ઞાન સાધના’ વિષય પર માર્ગદર્શન આપ્યું અને વકૃત્વ, નિબંધ અને ક્વિઝ સ્પર્ધાઓમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. પ્રોફેસર રાજ કે. મહેતાએ ‘વૈજ્ઞાનિક પદ્ધતિ’ સમજાવી, જ્યારે ‘કલર ઓફ કેમિસ્ટ્રી’ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓમાં રસાયણ વિજ્ઞાન પ્રત્યે રસ વધ્યો. દિવસના અંતે વિદ્યાર્થીઓએ રાણી કી વાવની મુલાકાત લઈ ઇતિહાસ અને વિજ્ઞાન વચ્ચેનો સંબંધ સમજ્યો.
ત્રીજા દિવસે પ્રયોગશાળાના સાધનો અને માનવ શરીર રચના વિષયક વર્કશોપ યોજાયા અને ગેલેરી મુલાકાત દ્વારા વિવિધ વૈજ્ઞાનિક ક્ષેત્રોની પ્રાયોગિક સમજ અપાઈ. અંતે પ્રતિસાદ સત્ર અને સમાપન સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આવા કેમ્પો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ