

ભરૂચ,04 મે (હિ.સ.) મિશન-2026 અંતર્ગત નિર્માણ પામેલા 'સરદારધામ' દ્વારા મધ્ય ગુજરાતના 2000 દીકરા-દીકરીઓ માટે વડોદરા ખાતે 150 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ’ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી 11 મે, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સંકુલના લોકાર્પણ અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે એક મહત્વની અને વ્યૂહાત્મક સંકલન બેઠક યોજાય હતી.
મધ્ય ગુજરાતના ઔદ્યોગિક અને સામાજિક અગ્રણીઓને આ ભવ્ય કાર્યક્રમમાં જોડવા માટે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મીની કોન્ફરન્સ હોલ જી.આઈ.ડી.સી. ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંપૂર્ણ સંકલનની જવાબદારી પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયાના શિરે હોય આખા ગુજરાતમાં પ્રવાસ કરી કાર્યક્રમને સફળ બનાવવા બેઠકો કરી રહ્યા છે .
આ બેઠકનું સંચાલન અને માર્ગદર્શન કાર્યક્રમ ઈન્ચાર્જ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા તેમજ સિવિલ સર્વિસ કેન્દ્ર નામકરણ દાતા જશવંત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય 11મી મેના રોજ યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવો અને મધ્ય ગુજરાતના તમામ સામાજિક તથા ઔદ્યોગિક સંગઠનો સાથે પરામર્શ કરવાનો હતો.
આગામી 11/05/2026, સોમવારે સાંજે 04:30 કલાકે વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને અભિવાદન અને લોકાર્પણ સમારોહ યોજાશે. આ પ્રસંગે
ઉદ્ઘાટક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિતિ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રહેશે .
ગોરધન ઝડફિયાએ પ્રસંગોચિત માર્ગદર્શન આપતા કહ્યું આ સરદારધામ એક સમાજ ભવન નથી રહ્યું અહીં યુવાનો માટે કારકિર્દીનું ધામ છે. ઉદ્યોગકારો માટે ઔધોગિક માર્ગદર્શન અને વેપારનું હબ છે સાથે સાથે ઈ લાઈબ્રેરીથી જ્ઞાન અને વિજ્ઞાનનું સંગમસ્થાન છે .
જસવંત પટેલે જણાવ્યું કે સરદારધામ ફેઝ વન , ટુ અને હવે થ્રી વડોદરા ખાતે જે નિર્માણ પામ્યું છે તેનાથી ઘણા ઇતિહાસ રચાશે.પાટીદાર સમાજ દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનું એવોર્ડ આપી સન્માનિત કરશે આ ઘડી ઐતિહાસિક હશે.આવા આ પ્રસંગમાં સૌથી વધુ પાટીદાર સમાજ એકજૂથ થાય અને પ્રસંગના સાક્ષી બને તેવી નમ્ર અપીલ સાથે આમંત્રણ છે.
સરદારધામના ટ્રસ્ટીગણ અને યુવા સંગઠન મધ્ય ગુજરાત ઝોન દ્વારા જણાવાયું છે કે, આ સંકલન બેઠકમાં મધ્ય ગુજરાતના વિપુલ ગજેરા,ઘનશ્યામ પટેલ ,મહેશ પટેલ,રમેશ ગાબાણી ,બિપિન પટેલ અને ટ્રસ્ટી મંડળ તેમજ ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્થાઓના પ્રમુખો, હોદ્દેદારો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર સંકલન બેઠકનું આયોજન કિશોર કાછડીયા, અતુલ પટેલ અને યોગેશ લક્કડએ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ