સુરતનું વિજ્ઞાન પ્રવાહનું 87.86 ટકા પરિણામ, એ1 ગ્રેડમાં 456 વિદ્યાર્થીઓ ઝળક્યા
સુરત, 04 મે (હિ.સ.): સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં આજે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરત કેન્દ્રનું કુલ પરિણામ
High Court cancels KEEM exam results


સુરત, 04 મે (હિ.સ.): સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં આજે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરત કેન્દ્રનું કુલ પરિણામ 93.46 ટકા નોંધાતા શહેરે ફરી એકવાર રાજ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં અનેક વિદ્યાર્થીઓએ એ-1 અને એ-2 ગ્રેડ મેળવી શહેરનું નામ રોશન કર્યું છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સુરતનું કુલ પરિણામ 87.86 ટકા આવ્યું છે. સુરત કેન્દ્રમાંથી એ-1 ગ્રેડમાં 456 વિદ્યાર્થીઓ અને એ-2 ગ્રેડમાં 2460 વિદ્યાર્થીઓ સફળ થયા છે. વિદ્યાર્થીઓના આ ઉત્તમ પરિણામ પાછળ તેમની સતત મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓનો સહકાર મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. પરિણામ જાહેર થયા બાદ શહેરની વિવિધ શાળાઓ બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ જોવા મળી હતી. અનેક વિદ્યાર્થીઓએ મિત્રો અને પરિવારજનો સાથે મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી.

રાજ્ય સ્તરે જોવામાં આવે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33 ટકા નોંધાયું છે. સમગ્ર ગુજરાતમાં એ-1 ગ્રેડમાં કુલ 1576 વિદ્યાર્થીઓ ઝળહળ્યા છે, જ્યારે એ-2 ગ્રેડમાં 11,756 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. સામાન્ય પ્રવાહ અને અન્ય પ્રવાહોને મેળવી રાજ્યનું કુલ પરિણામ 92.71 ટકા નોંધાયું છે, જે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ નોંધપાત્ર માનવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં કેટલાક કેન્દ્રોએ 100 ટકા પરિણામ મેળવી વિશેષ સિદ્ધિ મેળવી છે. તેમાં સપ્રેડા, વાંગડા, ચંગાલા, છાલા, લીંબોડા અને મીઠાપુર જેવા કેન્દ્રોનો સમાવેશ થાય છે. ઉપરાંત તડાવ, કોટડા, કાંગવાઈ અને પ્રશાવાડા કેન્દ્રોએ પણ 100 ટકા પરિણામ મેળવી ઉત્તમ દેખાવ કર્યો છે. બીજી તરફ ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રોમાં ખાવડા કેન્દ્રનું પરિણામ 52.56 ટકા અને કારઠ કેન્દ્રનું પરિણામ 64.88 ટકા નોંધાયું છે.

જિલ્લાવાર પરિણામમાં આહવા ડાંગ જિલ્લામાં સૌથી વધુ 97.88 ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા પરિણામ આવ્યું છે. બીજી તરફ વડોદરા જિલ્લાનું પરિણામ 87.77 ટકા અને અમદાવાદ શહેરનું પરિણામ 87.10 ટકા નોંધાયું છે.

શિક્ષણ બોર્ડના અધિકારીઓએ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ મહેનત અને શિસ્તથી ઉત્તમ પરિણામ મેળવ્યું છે. સાથે જ નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓને નિરાશ ન થવા અને ફરી પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande