
અમરેલી, 04 મે (હિ.સ.) અમરેલી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજયી બનેલા ઉમેદવારોને સન્માનિત કરવા એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન વિજેતા ઉમેદવારોને શાલ, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીના પાયા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ રહેવું જોઈએ. તેમણે ઉમેર્યું કે વિકાસના કાર્યોને ગતિ આપવા માટે તમામ પ્રતિનિધિઓએ સંકલન અને સહકારથી કામ કરવું જરૂરી છે.
આ પ્રસંગે વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના ચૂંટાયેલા સભ્યોએ પોતાના અનુભવ વહેંચ્યા અને વિસ્તારના વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો. કાર્યક્રમમાં હાજર લોકોએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં વધુ સારું કાર્ય કરવાની શુભેચ્છા આપી.
આ સમારોહ લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને જનસેવાના ભાવને વધુ મજબૂત બનાવતો સાબિત થયો હતો।
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai