
પોરબંદર, 04 મે (હિ.સ.)નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી તથા હકારાત્મક નિવારણ માટે રાજ્યના મુખ્યમંત્રીના અભિગમ હેઠળ દર માસના ચોથા ગુરુવારે યોજાતો ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ આગામી તા. 28 મે,2026 ના રોજ જિલ્લા કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે યોજાશે.
પોરબંદર જિલ્લાના નાગરિકોને પોતાના કોઈપણ ખાતા અથવા વિભાગ સંબંધિત પ્રશ્નો કે, ફરિયાદો ખાસ કરીને લાંબા સમયથી બાકી રહેલા અથવા અનિર્ણિત પ્રશ્નો રજૂ કરવા આમંત્રિત કરવામાં આવે છે. અરજદારોએ અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજૂઆતના આધારરૂપ દસ્તાવેજો, મળેલ જવાબ તથા પ્રત્યુતરની નકલ સાથે અરજી રજૂ કરવી જરૂરી રહેશે.
જો અગાઉ રજૂ કરેલ પ્રશ્ન ફરી રજૂ કરવામાં આવે તો તે પ્રશ્નનો, ક્રમાંક તથા અગાઉ કરેલ રજૂઆતની વિગત સ્પષ્ટ રીતે દર્શાવવી. અરજીમાં અરજદારનું પૂરું નામ, સંપૂર્ણ સરનામું, સંપર્ક નંબર ફરજીયાત લખવો તથા અરજદારની સહી અનિવાર્ય રહેશે. સહી વગરની અરજીઓ માન્ય ગણાશે નહીં.
અરજીઓ સ્પષ્ટ, મુદાસર અને આધારભૂત પુરાવાઓ સાથે હોવી આવશ્યક છે. અલગ-અલગ વિષયોને લગતા પ્રશ્નો અલગ-અલગ અરજીમાં રજૂ કરવા. આ કાર્યક્રમમાં અરજદાર પોતાનો પ્રશ્ન જાતે રજૂ કરી શકશે. સરકારી કર્મચારીઓના નોકરી સંબંધિત પ્રશ્નો તથા કોર્ટમાં પ્રલંબિત કેસો આ કાર્યક્રમ હેઠળ લેવામાં આવશે નહીં.અરજદારએ પોતાના પ્રશ્નો તા.10/05/2026સુધીમાં જિલ્લા કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે મોકલવાના રહેશે. તેમજ તા. 1થી 10 દરમ્યાન સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી મારફતે પણ પ્રશ્નો રજૂ કરી શકાશે.
આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે જિલ્લા સેવા સદન-1, કલેક્ટર કચેરી, પોરબંદરનો સંપર્ક કરવા વિનંતી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya