પારડીના ઓરવાડમાં દિવસદાઢે ઘરફોડ ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો – ચોર સહિત ₹7.84 લાખનો મુદ્દામાલ જપ્ત
વલસાડ, 04 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ગામમાં દિવસદાઢે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે એક આરોપીને ઝડપીને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. 7,84,342 નો મુદ
એલસીબી વલસાડે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપી સાથે રૂ. 7.84 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.


વલસાડ, 04 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ગામમાં દિવસદાઢે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે એક આરોપીને ઝડપીને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. 7,84,342 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, તા. 01 મે 2026ના રોજ ઓરવાડ ગામે પરીયા રોડ પર સ્થિત સાંઈ રેસીડેન્સી નજીક આવેલા એક મકાનમાં અજાણ્યા ચોરે મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં બેડરૂમમાં રાખેલા કબાટનું લોકર તોડી સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 1.80 લાખની ચોરી કરી હતી. આ બનાવ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3) અને 305(એ) હેઠળ ગુનો નોંધાયો હતો.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઇને સુરત રેન્જના આઈજી પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી વલસાડ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરી ટેકનિકલ એનાલિસિસ કરતા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઇ હતી.

બાતમીના આધારે પોલીસે જય લલીત વાઘેલા (ઉ.વ. 22), હાલ રહેતા છીરી, વાપી અને મૂળ બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામના વતનીને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલા સોનાના દાગીના (55.09 ગ્રામ), ચાંદીના દાગીના અને સિક્કા (221.17 ગ્રામ), રોકડા રૂપિયા તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ લોખંડનો સળીયો મળી કુલ રૂ. 7,84,342 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ બે દિવસ પહેલા જ ઓરવાડ ખાતે આ ચોરી આચર્યાની કબૂલાત કરી હતી.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:આરોપી સામે અગાઉ પણ ડુંગરા, ભિલાડ, ઉમરગામ અને સચીન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande