
વાપી, 04 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન એક્ટના ગુનામાં છેલ્લા આશરે ૮ વર્ષથી નાસતા ફરતા આરોપી સન્નીકુમાર સિકંદર પાસવાન (ઉ.વ.૨૮) ને વાપી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓ સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે જ ક્રમમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી.
દરમિયાન, એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ હારીશ કમરૂલ ખાનને મળેલી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી વાપીના ચણોદ ગામ વિસ્તારમાં વસવાટ કરતો હતો. પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.
પકડાયેલ આરોપી સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૮૭/૨૦૧૯ હેઠળ પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૮૧ અને ૯૮(૨) મુજબ ગુનો નોંધાયેલ હતો. આરોપીને વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.
આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. પરમારના નેતૃત્વ હેઠળ એ.એસ.આઈ. વિજય માધવરાવ, કોન્સ્ટેબલ હારીશ કમરૂલ ખાન અને રાજુ જીણાભાઈ સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ફરાર આરોપીઓ સામે ચાલતી ઝુંબેશ હેઠળ આ મહત્વની સફળતા માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha