સુરતના વેસુમાં પરિણીતાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણનો આરોપ
સુરત, 27 જૂન (હિ.સ.) સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક ખાનગી શાળાના શિક્ષક સામે દિલ્હીમાં રહેતી પરિણીત મહિલાએ ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદ મુજબ આરોપીએ મહિલાની અંગત પરિસ્થિતિનો લાભ લઈ તેની સાથે નજીકનો સંબંધ કેળવ્યો હતો અને સુરતમાં સારી નોકરી તેમજ
Rape


સુરત, 27 જૂન (હિ.સ.) સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક ખાનગી શાળાના શિક્ષક સામે દિલ્હીમાં રહેતી પરિણીત મહિલાએ ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદ મુજબ આરોપીએ મહિલાની અંગત પરિસ્થિતિનો લાભ લઈ તેની સાથે નજીકનો સંબંધ કેળવ્યો હતો અને સુરતમાં સારી નોકરી તેમજ લગ્નનું વચન આપીને અનેક વખત સુરત બોલાવી હતી.

મહિલાનો આરોપ છે કે આ દરમિયાન તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. વિશ્વાસ જીતવા માટે આરોપીએ કારમાં પ્રતીકાત્મક લગ્નનો ઢોંગ પણ કર્યો હતો અને વોટ્સએપ પર પત્ની તરીકે સંબોધતો રહ્યો હતો.

પીડિતાના જણાવ્યા અનુસાર બાદમાં આરોપીએ પોતાના છૂટાછેડાનો કેસ ચાલતો હોવાનો બહાનો બનાવી તેના દસ્તાવેજો પરથી નવું સિમકાર્ડ મંગાવ્યું અને તે નંબર મારફતે જ સંપર્ક રાખવાનું શરૂ કર્યું હતું.

જોકે થોડા સમય બાદ તેણે સંબંધ તોડી નાખવાની વાત કરી દીધી. ત્યારબાદ મહિલાને જાણ થઈ કે આરોપીએ મે 2026માં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. આ અંગે પૂછપરછ કરવા મહિલા સુરત પહોંચી ત્યારે આરોપીએ તેની સાથે મારપીટ કરી અને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનાથી આઘાતમાં આવેલી મહિલાએ દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધાવી અને મેડિકલ તપાસ પણ કરાવી હતી. ઘટનાસ્થળ સુરત હોવાથી કેસ વેસુ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande