
નવસારી, 27 જૂન (હિ.સ.) નવસારી એલસીબીએ આંતરરાજ્યમાં સક્રિય 'ચડ્ડી-બનિયાન ગેંગ'ના ત્રણ સભ્યોને ચોરીના મુદ્દામાલ અને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી બાદ જલાલપોર સહિત જિલ્લાના અનેક વણઉકેલાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ખુલ્યો છે. આરોપીઓએ 16 થી 17 જૂન દરમિયાન ગાંધી બ્રિજ નજીક આવેલા નિસર્ગ વિલામાં બંધ મકાનને નિશાન બનાવી આશરે રૂ. 7.06 લાખના દાગીના અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી હતી.
પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ એૂ વિસ્તારમાં અવધ ક્વીન્સબરી સામેની નહેર પાસેથી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ દાહોદ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેમાં એક આરોપી હાલ જલાલપોર નજીક રહેતો હતો.
આરોપીઓ પાસેથી તાંબાની ગણેશજીની મૂર્તિ, બ્રાન્ડેડ કાંડા ઘડિયાળ, રોકડ રકમ, ચલણી સિક્કા, ગુનામાં વપરાયેલ સાધન અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જલાલપોર વિસ્તારમાં તાજેતરમાં થયેલી ત્રણ મોટી ઘરફોડ ચોરીઓમાં પોતાની સંડોવણી કબૂલી હોવાનું પોલીસે જણાવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું કે ગેંગના સભ્યો પહેલા ફેક્ટરીઓ અને કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામના બહાને વિસ્તારની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે શરીર પરથી શર્ટ ઉતારી અને ચહેરો કપડાથી ઢાંકી ચોરીને અંજામ આપતા હોવાથી તેઓ 'ચડ્ડી-બનિયાન ગેંગ' તરીકે ઓળખાતા હતા. ત્રણેય સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં લૂંટ, ઘરફોડ અને ચોરીના 13થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે વધુ ગુનાઓ ઉકેલવા માટે આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે