
પોરબંદર, 27 જૂન (હિ.સ.) : રાણાવાવ પોલીસે જાહેરમાં ચાલતા વરલી મટકાના જુગાર પર દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો છે. જ્યારે મટકાનો વેપાર આપનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાણાવાવના ગોપાલપરા મદ્રેસા સ્કૂલ પાસે જાહેર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન આશાપુરા ચોક, રાણાવાવ ખાતે રહેતા રમેશ ભીખુભાઈ નકુમ (ઉ.વ. 50) કાગળની ચિઠ્ઠીમાં વરલી મટકાના આંકડા પર લોકો પાસેથી બેટિંગ લઈ જુગાર રમાડતા ઝડપાઈ ગયા હતા.
પોલીસે આરોપીના કબજામાંથી જુગારની રોકડ રકમ રૂ. 4,330, એક મોબાઇલ ફોન કિંમત રૂ. 5,000, વરલી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠી તથા એક બોલપેન મળી કુલ રૂ. 9,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીએ જાવીદ સમા નામના શખ્સ પાસેથી વરલી મટકાનો વેપાર મળતો હોવાની કબૂલાત આપતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. રાણાવાવ પોલીસે ગુજરાત જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya