

પોરબંદર,27 જૂન (હિ.સ.) : ડ્રગ્સના ગેરકાયદેસર ઉપયોગ તથા હેરફેર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે પોરબંદરમાં શુક્રવારે નશામુક્ત ભારત સપ્તાહ અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાત સરકારના ગૃહ વિભાગના નશાબંધી અને આબકારી ખાતાની સૂચના તેમજ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નશાબંધી અને આબકારી વિભાગ તથા એસ.ઓ.જી. પોલીસના સંયુક્ત ઉપક્રમે ચોપાટી ખાતે વ્યસનમુક્તિ રેલી, સ્વચ્છતા અભિયાન અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ‘વોકાથોન’ થીમ હેઠળ કરવામાં આવી હતી. ત્યારબાદ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજાએ વ્યસનમુક્ત સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે નશાના દૂષણથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે દારૂ અને ડ્રગ્સ જેવા ગંભીર વ્યસનો સામે પોલીસની કામગીરી અંગે માહિતી આપી તેમજ નાગરિકોને પોલીસને સહકાર આપવા અને સાઇબર ક્રાઇમ અંગે પણ જાગૃત કર્યા હતા.રેલી દરમિયાન ચોપાટી અને આસપાસના વિસ્તારમાં નશામુક્તિના બેનરો સાથે લોકોને વ્યસનમુક્ત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાન યોજી સફાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક પી.આર. ગોહિલે વ્યસનમુક્ત જીવનના લાભો અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, નશાથી દૂર રહીને સ્વસ્થ અને નિરોગી જીવન જીવવું દરેક વ્યક્તિ અને સમાજ માટે આવશ્યક છે. તેમણે સ્વચ્છતા પ્રત્યે પણ જાગૃત રહેવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક પી.આર. ગોહિલ, એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. જાડેજા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ આવકારી સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya