
જામનગર, 27 જૂન (હિ.સ.) જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં મજૂરીના બાકી નાણાં માંગવા ગયેલા યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. આ મામલે શેઠવડાળા પોલીસ મથકે એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સમાણા ગામની આંબેડકરનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશ જેંતીભાઈ વાઘેલા આશરે ત્રણ મહિના અગાઉ આરોપી કિશોર નાનજીભાઈ વાઘેલા સાથે મજૂરી કામે ગયા હતા. તે દરમિયાન બે દિવસની મજૂરીના નાણાં દિવ્યેશભાઈને મળવાના બાકી હતા.ફરિયાદ મુજબ દિવ્યેશભાઈએ અનેક વખત બાકી રહેલા નાણાંની માંગણી કરી હતી, પરંતુ આરોપી દ્વારા નાણાં ચૂકવવામાં આવતા ન હતા. દરમિયાન ફરી એક વખત નાણાં માંગતા કિશોરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને દિવ્યેશભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આરોપીએ પથ્થર વડે હુમલો કરી દિવ્યેશભાઈના માથાના ડાબા ભાગે તેમજ જમણા પગના સાથળના ભાગે ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત યુવકે સારવાર લીધા બાદ સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શેઠવડાળા પોલીસે આરોપી કિશોર નાનજીભાઈ વાઘેલા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt