
મહેસાણા, 27 જૂન (હિ.સ.)મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે 6 માસની સાદી કેદની સજા પામેલા અને સજા વોરંટ બાદ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી મહેસાણા સબ જેલમાં મોકલી આપ્યો છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
ખાનગી બાતમીના આધારે પેરોલ-ફર્લો સ્કોડને જાણ મળી હતી કે એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વિસનગર કોર્ટના ફોજદારી કેસ નં. 1270/2022માં 6 માસની સાદી કેદની સજા પામેલો ઠાકોર દિનેશજી ઈશ્વરજી (રહે. દગાવાડીયા, તા. વિજાપુર) વિસનગરની મહેસાણા ચોકડી વિસ્તારમાં આવવાનો છે. બાતમીના આધારે સ્કોડે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપી સામે કોર્ટ દ્વારા અગાઉ સજા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વધુ સજા ભોગવવા માટે મહેસાણા સબ જેલમાં મોકલી આપ્યો છે. સમગ્ર કામગીરી PSI કે.જી. ચૌધરી, ASI દિનેશજી મલાજી અને પેરોલ-ફર્લો સ્કોડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR