
મહેસાણા, 27 જૂન (હિ.સ.)મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાવપુરા રોડ પર આવેલી એમસ્ટર માઇક્રોસેલ કંપની, ડી.કે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ફેઝ-3માં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹60,800નો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ખાનગી બાતમીના આધારે પોલીસે કડી તાલુકાના ધારપુરા-ઝુલાસણ રોડ વિસ્તારમાં દરોડો પાડી અજયભાઈ કાન્તીભાઈ મકવાણા (મૂળ પાટણ) અને રાહુલ ધરમપાલ કામલે (મૂળ અમરાવતી, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹35,000 કિંમતનો અતુલ લોડિંગ છકડો તેમજ 430 કિલો લોખંડના સળીયાની કોલમ રિંગો અને કટીંગ કરેલા સળીયા મળી કુલ ₹60,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મામલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 331(4) અને 54 હેઠળ નોંધાયેલા ગુનાનો સફળ ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ નંદાસણ પોલીસની ટીમે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR