
મહેસાણા, 27 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બહુચરાજી બસ સ્ટેન્ડમાંથી પાર્ક કરેલું મોટરસાયકલ અજાણ્યા તસ્કર ચોરી જતા બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, બહુચરાજી તાલુકાના રાંતેજ ગામના રહેવાસી અને પાટડી ખાતે પશુ ડોક્ટર તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર ભરતભાઈ રાઠોડ પોતાનું પેશન મોટરસાયકલ નંબર GJ-27-S-3751 લઈને બહુચરાજી એસ.ટી. બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. તેમણે બસ સ્ટેન્ડ પર લીમડાના ઝાડ નીચે બાઈક પાર્ક કરીને એસ.ટી. બસ મારફતે પાટડી નોકરી પર ગયા હતા.
સાંજે નોકરી પરથી પરત ફર્યા ત્યારે પાર્ક કરેલી જગ્યાએ બાઈક જોવા મળ્યું નહોતું. તેમણે આસપાસના વિસ્તારમાં તેમજ ઓળખીતા લોકો પાસે તપાસ કરી, પરંતુ મોટરસાયકલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે બાઈક ચોરી થઈ હોવાનું જણાતા તેમણે બહુચરાજી પોલીસનો સંપર્ક કર્યો હતો.
ચોરાયેલું મોટરસાયકલ વર્ષ 2013નું મોડલ હોવાનું અને તેની અંદાજિત કિંમત રૂ. 15,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાઈક ફરિયાદીના મામા ભરતભાઈ પરમાર (રહે. અમદાવાદ)ની માલિકીનું હતું, જેનો ઉપયોગ વિશાલકુમાર છેલ્લા એક વર્ષથી નોકરી પર આવવા-જવા માટે કરતા હતા. બહુચરાજી પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR