
સુરત, 27 જૂન (હિ.સ.) : સુરત શહેર ક્રાઈમ બ્રાંચે 22 વર્ષથી પોલીસને ચકમો આપતા એક ફરાર આરોપીની મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી ધરપકડ કરી છે. પોલીસને ચોક્કસ બાતમી મળતાં ટીમે એક ચાની લારી પર નજર રાખી હતી, જ્યાં આરોપી નિરાંતે ચા પી રહ્યો હતો. પોલીસે બંને તરફથી ઘેરાબંધી કરીને તેને કોઈ તક મળે તે પહેલાં જ ઝડપી લીધો. આ સમગ્ર કાર્યવાહીનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપી હાથમાં ચાનો ગ્લાસ લઈને બેઠો હોય ત્યારે પોલીસ તેની પાસે પહોંચતી જોવા મળે છે.
પકડાયેલ આરોપી યુવરાજ જયસિંગ રાઠોડ મૂળ જલગાંવ જિલ્લાના રહેવાસી છે અને વર્ષ 2005માં સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નોકર દ્વારા ચોરીના કેસમાં ફરાર હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે પોતાની ઓળખ બદલીને મહારાષ્ટ્રના વાળુજ વિસ્તારમાં વસવાટ શરૂ કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેનું ચોક્કસ લોકેશન શોધી કાઢ્યું અને સફળ ઓપરેશન પાર પાડ્યું.
પોલીસ તપાસ મુજબ યુવરાજ રાઠોડ ફરિયાદી મયુરસિંહ જાડેજા પાસે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. 4 નવેમ્બર, 2005ના રોજ માલિક નાહવા ગયા હતા ત્યારે તેણે ઓફિસના કબાટમાંથી રૂ. 54,710 રોકડા ચોરી લીધા હતા અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. લાંબા સમય સુધી પોલીસને હાથ ન લાગતાં અદાલતે તેની સામે બિનજામીનપાત્ર વોરન્ટ પણ જાહેર કર્યું હતું.
ધરપકડ બાદ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. હાલ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને આરોપીને વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે કામરેજ પોલીસના હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચ માટે વર્ષો જૂના પેન્ડિંગ કેસમાં મળેલી આ મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે