


પોરબંદર, 27 જૂન (હિ.સ.) : પોરબંદરના છાયા વિસ્તારમાં એક પ્રેમલગ્નનો કરુણ અંત આવ્યો છે. પરિવારથી છુપાવીને પ્રેમલગ્ન કરનાર 20 વર્ષીય યુવતીએ પતિ દ્વારા લગ્નનું સત્તાવાર પ્રમાણપત્ર ન આપતાં માનસિક ત્રાસમાં આવી પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે.
મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરતાં સમગ્ર શહેરમાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પોલીસ ફરિયાદ મુજબ છાયાના સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતા વેપારી અશોકભાઈ રમણીકલાલ મોદીની પુત્રી અંજલીબેન મોદી (ઉ.વ.20), જે નર્સિંગનો અભ્યાસ કરતી હતી, તેણે પરિવારની જાણ બહાર તા. 8 જુલાઈ, 2025ના રોજ છાયાના નવાપરા વિસ્તારમાં રહેતા ઋષિક રાજેશભાઈ ચૌહાણ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ તા. 19 જુલાઈ, 2025ના રોજ બંનેએ પોરબંદર મહાનગરપાલિકામાં લગ્નની નોંધણી પણ કરાવી હતી. પરંતુ લગ્ન નોંધાયા બાદનું સત્તાવાર લગ્ન પ્રમાણપત્ર પતિ પાસે જ હોવાનું અને તે વારંવાર માંગવા છતાં ન આપતો હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ છે.
ફરિયાદમાં જણાવાયું છે કે અંજલીએ અનેક વખત પતિને લગ્નનું પ્રમાણપત્ર આપવા વિનંતી કરી હતી. એટલું જ નહીં, તેણે પ્રમાણપત્ર નહીં આપો તો હું જીવતી નહીં રહું એવી ચેતવણી આપતાં પોતાના હાથમાંથી નીકળતા લોહીના વીડિયો પણ પતિને મોકલ્યા હતા. તેમ છતાં આરોપીએ કોઈ સહકાર આપ્યો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આખરે તા. 23 જૂન, 2026ના રોજ બપોરના સમયે અંજલીએ પોતાના રૂમમાં પંખા સાથે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના બાદ મૃતકના પિતા અશોકભાઈ મોદીએ કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ ઋષિક રાજેશભાઈ ચૌહાણ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મૃતકની માતાએ આક્રંદ સાથે જણાવ્યું કે તેમની દીકરીએ પરિવારને જાણ કર્યા વગર પ્રેમલગ્ન કર્યા હતા, જેના કારણે તેમને લગ્ન અંગે કોઈ માહિતી નહોતી. આજે દીકરી ગુમાવ્યા બાદ તેમણે લોહાણા સમાજ અને ન્યાયપ્રિય લોકોને અપીલ કરી છે કે, મારી દીકરીને ન્યાય અપાવો, સમાજ આ લડતમાં અમારી સાથે ઉભો રહે. આ સમગ્ર બનાવે માત્ર છાયા વિસ્તાર જ નહીં પરંતુ સમગ્ર પોરબંદરમાં ભારે ચર્ચા જગાવી છે. હવે પોલીસ તપાસમાં સામે આવનારી હકીકતો પર સૌની નજર મંડાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya