
ભાવનગર, 28 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર, ખૂંટિયા, ભૂંડ અને નીલગાયનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા ભારે ખર્ચ અને અવિરત મહેનત બાદ તૈયાર કરાયેલા મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદની અનિશ્ચિતતા વચ્ચે મોંઘા ભાવના બિયારણ, ખાતર અને અન્ય કૃષિ ખર્ચ કરીને તેમણે પાકનું વાવેતર કર્યું છે, પરંતુ હવે રખડતા પશુઓના ત્રાસથી સમગ્ર મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ખેડૂતો દિવસ-રાત ખેતરોમાં દેખરેખ રાખવા છતાં રખડતા ઢોર, ભૂંડ અને નીલગાય પાકમાં ઘૂસી જઈને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. પરિણામે અનેક ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો કૃષિ ઉત્પાદન પર ગંભીર અસર પડશે અને તેની સીધી અસર બજારમાં અનાજ તેમજ અન્ય કૃષિ પેદાશોના ભાવ પર પણ જોવા મળી શકે છે.
સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ સરકાર તેમજ સંબંધિત વિભાગો સમક્ષ આ સમસ્યાના તાત્કાલિક નિવારણની માંગ ઉઠાવી છે. ખેડૂતોનું કહેવું છે કે રખડતા ઢોરને પાંજરાપોળમાં ખસેડવામાં આવે તેમજ નીલગાય અને ભૂંડના ત્રાસથી પાકને બચાવવા માટે અસરકારક અને કડક પગલાં લેવામાં આવે. સાથે જ ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને વળતર આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
ગ્રામજનોનું માનવું છે કે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળશે અને ખેતી પ્રત્યે નિરાશા વધશે. ઠળિયા પંથકમાં એક તરફ વરસાદની અનિશ્ચિતતા અને બીજી તરફ રખડતા ઢોર, ભૂંડ તથા નીલગાયના વધતા આતંકને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને તેમના પાકનું રક્ષણ મળી રહે અને તેમની મહેનત વ્યર્થ ન જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવામાં આવે તેવી ઉગ્ર માંગ સમગ્ર પંથકમાં ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA