
પાટણ, 06 જૂન (હિ.સ.) : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે હરિદ્વારના ગંગા કિનારે આવેલા મુલતાન ભુવનમાં પાટણના શ્રી શ્રી હરિ સેવા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મહોત્સવનું ભક્તિભાવપૂર્વક સમાપન થયું. અંતિમ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના વિવાહોત્સવનો મનોરથ ઉજવાયો હતો. વ્યાસપીઠ પરથી કથાકાર દિલીપભાઈ શાસ્ત્રીએ શ્રીમદ ભાગવત, મહાભારત અને રામાયણના પ્રસંગોનું રસપ્રદ વર્ણન કર્યું. તેમણે સંકલ્પના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે કળિયુગમાં ભક્તિ જ પરમાત્માને પામવાનું શ્રેષ્ઠ સાધન છે.
શાસ્ત્રીજીએ રાજા પરીક્ષિત અને સુકદેવજીનો પ્રસંગ ટાંકતાં કહ્યું કે ભગવાનની લીલાઓના શ્રવણથી ભય અને મોહ દૂર થાય છે. કથાના માધ્યમથી ભક્તોને આધ્યાત્મિક જીવનનો સંદેશ આપવામાં આવ્યો.
મહોત્સવ દરમિયાન નાની બાલિકાઓએ સુંદર વેશભૂષામાં વિવાહ પ્રસંગને જીવંત બનાવ્યો હતો. આ સાથે મામેરા મોસાળાની યાત્રા, પોથી પૂજન અને અન્ય ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અવનીબેન, અમિતભાઈ, જીગરભાઈ અને ભાર્ગવભાઈ સહિતની ટીમે કર્યું હતું. ઉપરાંત અમિતભાઈ અને જીગરભાઈએ ગંગાજીમાં ભક્તોને મંત્રોચ્ચાર સાથે પૂર્વજોની તર્પણ વિધિ કરાવી હતી. અંતે શાસ્ત્રીજીએ પત્રકારો, કલાકારો અને સેવકોના યોગદાનને બિરદાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ