
ભાવનગર, 06 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ટીબી મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર શહેરમાં પણ ટીબીના દર્દીઓના સમયસર નિદાન અને સારવાર માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ ટીબી ડિવિઝન દ્વારા ચાલી રહેલા 100 દિવસીય ટીબી સ્ક્રીનિંગ અભિયાન હેઠળ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર તેમજ આખલોલ આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રમાં સંવેદનશીલ વસ્તીના ટીબી સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ અને નિદાનની કામગીરી સઘન રીતે ચાલી રહી છે.
આ કામગીરીને વધુ અસરકારક અને સુલભ બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકાને પોર્ટેબલ X-Ray મશીન ફાળવવામાં આવ્યું છે. આ અત્યાધુનિક મશીનનું લોકાર્પણ રાજ્યના મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પોર્ટેબલ X-Ray મશીનના કારણે હવે જરૂરિયાત મુજબ વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જ X-Rayની સુવિધા ઉપલબ્ધ બનશે. પરિણામે ટીબીના સંભવિત દર્દીઓનું વહેલું નિદાન કરી સમયસર સારવાર શરૂ કરી શકાશે, જે ટીબી નિયંત્રણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
પ્રસંગ દરમિયાન મંત્રી જીતુ વાઘાણીએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને સારવાર હેઠળ રહેલા દર્દી નારાયણની ખબરઅંતર પૂછી હતી. તેમણે દર્દીના આરોગ્ય અંગે માહિતી મેળવી અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ટીબીના નવા દર્દીઓના રજીસ્ટ્રેશન, નિદાન અને સારવાર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. જેના પરિણામે રાજ્યમાં ટીબીના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. આરોગ્ય વિભાગના સતત પ્રયાસો અને આધુનિક સુવિધાઓના ઉમેરાથી ‘સ્વસ્થ ભાવનગર’, ‘ટીબી મુક્ત ભાવનગર’ અને ‘સ્વસ્થ ગુજરાત’ના લક્ષ્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA