
નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચાહકો અને પેપારાઝીની ભારે ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાઘવ જુયાલના જન્મદિવસ સમારોહમાંથી પરત ફરી રહેલા આર્યનને તેમની સુરક્ષા ટીમની મદદથી ભીડ વચ્ચેથી સલામત રીતે બહાર કાઢવા પડ્યા. આ દરમિયાન એક પ્રશંસક સંતુલન ગુમાવીને જમીન પર પડી ગયો, જોકે કોઈને ઈજા થઈ હોવાની માહિતી નથી.
વાયરલ વીડિયોમાં સુરક્ષા કર્મીઓ આર્યનની આસપાસ, સુરક્ષા ઘેરો બનાવીને તેમને વાહન સુધી પહોંચાડતા નજરે પડે છે. ભીડના કારણે થોડા સમય સુધી ધક્કામુક્કીની સ્થિતિ રહી. ઘટનાના સમયે આર્યન પણ અચાનક સર્જાયેલી અફરાતફરીથી આશ્ચર્યચકિત દેખાયા, જ્યારે સુરક્ષા ટીમે સ્થિતિને નિયંત્રિત કરીને તેમને સલામત રીતે ત્યાંથી રવાના કરાવ્યા.
ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ભીડના વર્તનની ટીકા કરી. યુઝર્સે જાણીતી હસ્તીઓની, પ્રાઈવસી અને સુરક્ષાનો આદર કરવાની અપીલ કરતાં કહ્યું કે, સેલિબ્રિટીઓ પણ સામાન્ય લોકોની જેમ સુરક્ષિત વાતાવરણના હકદાર છે. ઘણા લોકોએ આવા પરિસ્થિતિઓથી બચવા માટે વધુ સારા ભીડ વ્યવસ્થાપનની જરૂરિયાત પણ વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ