
બાલોતરા, નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) બાડમેર-જોધપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, પચપદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવાર મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ યુવકોના મોત થયા, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેજ ગતિએ દોડી રહેલી સ્કોર્પિયો, આગળ ચાલી રહેલા ડમ્પર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, સ્કોર્પિયોના પરખચ્ચા ઊડી ગયા અને તેમાં સવાર લોકો વાહનની અંદર જ ફસાઈ ગયા.
પોલીસ અનુસાર, અકસ્માત ભાડિયાવાસ ગામ પાસે થયો હતો. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી, ઘાયલોને બહાર કાઢીને રાજકીય નાહટા હોસ્પિટલ, બાલોતરા પહોંચાડ્યા. ત્યાં તબીબોએ રેવાંતારામ (26), સ્વરૂપારામ (27) અને ભરત (25)ને મૃત જાહેર કર્યા. ગંભીર રીતે ઘાયલ કિશન, ભાવેશ, બાબૂ, મુકેશ અને હેમારામને પ્રાથમિક સારવાર બાદ, જોધપુર રિફર કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન કિશન (27) અને ભાવેશનું પણ મૃત્યુ થયું.
મૃતકોની ઓળખ, બાલોતરા જિલ્લાના કાનોડ ગામના રહેવાસી રેવાંતારામ પુત્ર ગેનારામ જાટ, સ્વરૂપારામ પુત્ર મેહરારામ જાટ, ભરત પુત્ર બન્નારામ જાટ, કિશન પુત્ર શેરારામ જાટ તથા ભાવેશ પુત્ર કલારામ જાટ તરીકે થઈ છે. હેડ કોન્સ્ટેબલ ડૂંગારામ ખોથના જણાવ્યા અનુસાર, તમામ યુવકો જોધપુરમાં ભોમિયાજીના દર્શન કરીને, પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો. અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે પાંચ યુવકો ઘાયલ થયા હતા. તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ, અકસ્માતની માહિતી મળતાં જ રાજકીય નાહટા હોસ્પિટલમાં, પરિજનો અને ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. અકસ્માતમાં ઘાયલ બાબૂ, મુકેશ અને હેમારામની જોધપુરમાં સારવાર ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / રોહિત / ઈશ્વર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ