
નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ, મહિલા અનામત અને તેની સાથે સંકળાયેલા સીમાંકનના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગામી ચોમાસુ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. ખરગેએ કહ્યું કે, જો સરકાર બંધારણ (131મો સુધારો) વિધેયક, 2026ને સુધારેલા સ્વરૂપમાં ફરીથી સંસદમાં લાવવા જઈ રહી છે, તો તેના પર તમામ રાજકીય પક્ષો સાથે પહેલા વ્યાપક ચર્ચા થવી જોઈએ.
ખડગેએ ગુરુવારે વડાપ્રધાનને મોકલેલા પત્રમાં જણાવ્યું કે, માર્ચ અને એપ્રિલ દરમિયાન તેમણે સંસદીય કાર્ય મંત્રીને ઘણી વખત પત્ર લખીને સીમાંકન સંબંધિત પ્રસ્તાવો પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની વિનંતી કરી હતી, પરંતુ તેમની માંગ સ્વીકારવામાં આવી ન હતી. બંધારણ (131મો સુધારો) વિધેયક, 2026 લોકસભામાં 17 એપ્રિલે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવી શક્યું ન હતું અને પસાર થઈ શક્યું ન હતું.
તેમણે પત્રમાં કહ્યું કે, મીડિયા અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે, કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં સુધારેલો 131મો બંધારણીય સુધારા વિધેયક ફરીથી રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આવા સંજોગોમાં સરકારે સીમાંકન સંબંધિત પોતાના સુધારેલા પ્રસ્તાવો પર તમામ પક્ષો સાથે ચર્ચા કરવી જોઈએ અને તેમને અભ્યાસ માટે પૂરતો સમય આપવો જોઈએ.
ખડગેએ વડાપ્રધાનને અપીલ કરી કે, વિધેયક સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે, જેથી રાજકીય પક્ષો પ્રસ્તાવિત ફેરફારોનો વિગતવાર અભ્યાસ કરીને પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે.
ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થવાનું છે. આ પહેલા બુધવારે કોંગ્રેસ સંસદીય દળ (સીપીપી)ની વ્યૂહાત્મક બેઠક સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે અને પાર્ટીના અન્ય સાંસદો હાજર રહ્યા હતા. બેઠકમાં ચોમાસુ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ અને વિપક્ષની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ