
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) રેલ અને ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટૂએ, ફિલ્મ સતલુજને લઈને પોતાનો વિરોધ વધુ તેજ કરતાં ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો છે કે, પંજાબમાં આતંકવાદના સમયગાળા દરમિયાન 25,000 લોકો ગુમ થયા હતા, તો તેના સમર્થનમાં તમામ દસ્તાવેજી પુરાવા અને સત્તાવાર રેકોર્ડ જનતા સમક્ષ રજૂ કરવામાં આવે.
બિટ્ટૂએ સ્પષ્ટ કહ્યું કે, જો ફિલ્મ નિર્માતા પોતાના દાવાઓને પ્રમાણિત કરી દે છે, તો તેઓ જાહેરમાં માફી માંગવા માટે તૈયાર છે, પરંતુ જો આવા પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેઓ આ મામલે આગળની કાર્યવાહી કરશે.
રવનીત સિંહ બિટ્ટૂએ સોમવારે અહીં રેલ ભવનમાં પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે, ફિલ્મમાં પંજાબના આતંકવાદના સમયગાળાનો ઇતિહાસ એકતરફી દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં માત્ર એક જ પક્ષને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જ્યારે તે સમયગાળા દરમિયાન આતંકવાદનો ભોગ બનેલા હજારો નિર્દોષ લોકોની પીડાને અવગણવામાં આવી છે.
બિટ્ટૂએ પ્રશ્ન ઉઠાવ્યો કે. જો ઇતિહાસ દર્શાવવામાં આવી રહ્યો છે, તો તેમાં તે નિર્દોષ હિંદુઓ, બસ મુસાફરો, દુકાનદારો, સરકારી કર્મચારીઓ, મજૂરો અને સામાન્ય નાગરિકોના નરસંહારને કેમ દર્શાવવામાં આવ્યો નથી, જેમણે આતંકવાદના સમયગાળા દરમિયાન જીવ ગુમાવ્યા.
તેમનું કહેવું હતું કે, કોઈપણ ઐતિહાસિક ઘટનાને રજૂ કરતી વખતે તમામ પક્ષો અને તમામ પીડિતો સાથે ન્યાય થવો જોઈએ. કેન્દ્રીય મંત્રીએ ફિલ્મ પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે ફિલ્મમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. તેમણે ખાસ કરીને પોતાના દાદા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ફિલ્મમાં તેમની ભૂમિકા જે રીતે દર્શાવવામાં આવી છે, તે વાસ્તવિક ઘટનાઓ સાથે મેળ ખાતી નથી. માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલડાની ધરપકડ પહેલાં જ, તેમના દાદા બેઅંત સિંહ શહીદ થઈ ચૂક્યા હતા, તેથી તે ઘટનામાં તેમની કોઈ ભૂમિકા હોઈ શકે નહીં.
તેમણે કહ્યું કે, કેટલાક લોકો માત્ર તેમની વિરુદ્ધ બોલવા માટે મુદ્દાઓ શોધતા રહે છે અને એ જ રીતે તેમની દુકાનદારી ચાલે છે. બિટ્ટૂના અનુસાર ફિલ્મને લઈને પહેલાં કોઈને ખાસ જાણકારી નહોતી, પરંતુ અભિનેતા દિલજીત દોસાંઝના મોટા નામના કારણે ફિલ્મને વ્યાપક ચર્ચા અને દર્શકો મળી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ