
જમ્મુ, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) પહેલગામ આતંકી હુમલાની ચાલી રહેલી તપાસ સંબંધિત એક કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની વિશેષ અદાલતે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ પહેલગામ આતંકી હુમલાના કેસમાં સઈદ વિરુદ્ધ બે દિવસ પહેલાં પૂરક આરોપપત્ર દાખલ કર્યું છે. આ પછી હવે એનઆઈએ અદાલતના વિશેષ ન્યાયાધીશે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. જમ્મુમાં એનઆઈએની વિશેષ અદાલતમાં દાખલ કરાયેલા પૂરક આરોપપત્રમાં 76 વર્ષીય સઈદ પર વ્યક્તિગત રીતે અને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (એલઈટી) તથા તેના સહયોગી મોરચા, પ્રતિકાર મોરચો (ટીઆરએફ)ના પ્રમુખ તરીકે આરોપો લગાવવામાં આવ્યા છે. તેના પર ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), 2023 અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) અધિનિયમ, 1967ની ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એનઆઈએએ અદાલતને જણાવ્યું કે, ફરાર આતંકવાદી સઈદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધાનો નિવાસી છે. તે પહેલગામ આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર છે અને જાણી જોઈને, ધરપકડથી બચી રહ્યો છે. એજન્સીએ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરવા અને કોઈપણ આગળની તપાસમાં તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેની વિરુદ્ધ અનિશ્ચિતકાલીન બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગ કરી. અદાલતી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, નિષ્પક્ષ, સંપૂર્ણ અને અસરકારક તપાસ માટે સઈદની ધરપકડ અને કસ્ટડીમાં પૂછપરછ આવશ્યક છે. તેથી તેની વિરુદ્ધ બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવું જરૂરી છે. અદાલતે કાયદા અનુસાર ધરપકડ વોરંટનો અમલ કરવા માટે ઉપ મહાનિરીક્ષક (ડીઆઈજી), એનઆઈએ જમ્મુને મોકલ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ