
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ, મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ચોથા સરસંઘચાલક રજ્જુ ભૈયાની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
નીતિન ગડકરીએ એક્સ પર લખ્યું, ''રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચોથા સરસંઘચાલક રજ્જુ ભૈયાજીની પુણ્યતિથિ પર તેમને નમ્ર અભિવાદન!'' રાજનાથ સિંહે કહ્યું કે પ્રો. રાજેન્દ્ર સિંહજી ઉર્ફે 'રજ્જુ ભૈયા' ભૌતિકશાસ્ત્રના વિદ્વાન, કુશળ શિક્ષણવિદ્ અને અસાધારણ સંગઠનકર્તા હતા. તેમનું સંપૂર્ણ જીવન રાષ્ટ્ર, સમાજ અને સંગઠન માટે સમર્પિત હતું. તેમણે પોતાના જીવનમાં સાદગી, રાષ્ટ્રવાદ અને સેવાના આદર્શોને આત્મસાત કર્યા હતા. તેઓ સ્વદેશી, ગ્રામોદય અને આત્મનિર્ભર ભારતના પ્રબળ સમર્થક હતા. રાષ્ટ્ર-નિર્માણમાં તેમનું યોગદાન અને તેમના આદર્શો આવનારી પેઢીઓને પ્રેરિત કરતા રહેશે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, રાષ્ટ્ર અને સમાજની સેવા માટે રજ્જુ ભૈયાએ સંપૂર્ણ જીવન એક તપસ્વીની જેમ વ્યતીત કર્યું અને અસંખ્ય સ્વયંસેવકોને આ મહાન કાર્ય માટે તૈયાર કર્યા. રજ્જુ ભૈયાએ સેવારૂપી જે પવિત્ર જ્યોત જન-જનના હૃદયમાં પ્રજ્વલિત કરી છે, તે આપણને સૌને હંમેશા દેશ અને સમાજની ઉન્નતિ માટે પ્રેરિત કરતી રહેશે.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, સંઘની સેવામાં આજીવન સમર્પિત, કર્મઠતા અને કર્તવ્યનિષ્ઠાના પ્રતીક રજ્જુ ભૈયા દરેક સંઘ કાર્યકર માટે પ્રેરણાસ્ત્રોત રહેશે. કાયદા, ન્યાય અને સંસદીય કાર્ય બાબતોના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચોથા સરસંઘચાલક, પ્રખર રાષ્ટ્રવાદી ચિંતક, શિક્ષણવિદ્ અને મા ભારતીના અનન્ય ઉપાસક પ્રો. રાજેન્દ્ર સિંહ 'રજ્જુ ભૈયા'ની પુણ્યતિથિ પર તેમને કોટિ કોટિ નમન!
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ