
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) દિલ્હી રમખાણો દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં, અદાલતના નિર્ણયનું સ્વાગત કરતા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું કે, અદાલતના નિર્ણયે સ્પષ્ટ કરી દીધું છે કે, આઈબી અધિકારી અંકિત શર્માની ફરજ દરમિયાન જઘન્ય હત્યા કરવામાં આવી હતી અને આ મામલે દોષિતોને સજા મળી છે.
ભાજપ મુખ્યાલયમાં મંગળવારે આયોજિત પત્રકાર પરિષદમાં પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, દિલ્હી રમખાણોના કેસમાં કોર્ટે તત્કાલીન આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈન સહિત જાવેદ, અનસ, નાઝિમ અને કાસિમને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે માન્યું કે, દોષિતોએ ષડયંત્ર અને સામાન્ય ઉદ્દેશ્ય હેઠળ ગુનાને અંજામ આપ્યો. અદાલતે પોતાના નિર્ણયમાં કહ્યું કે, અંકિત શર્માની હત્યા વ્યાપક ષડયંત્રનો ભાગ હતી.
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, ઘટના સમયે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને તાહિર હુસૈન તેમની પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલર હતા. તેમણે કહ્યું કે, સંસદમાં માર્ચ 2020 દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતરી આપી હતી કે, રમખાણોના તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે અને કોઈને છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, અદાલતનો નિર્ણય ન્યાય, કાયદા અને બંધારણની જીત છે.
ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ પર પણ નિશાન સાધતા કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિપક્ષે દેશમાં ભ્રમ ફેલાવ્યો અને લોકોને ભડકાવવાનું કામ કર્યું. તેમણે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને સવાલ કર્યો કે, સીએએ લાગુ થયા પછી કેટલા મુસલમાનોની નાગરિકતા ગઈ. તેમણે કહ્યું કે, તેનો જવાબ શૂન્ય છે.
તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના તે નિવેદનની પણ ટીકા કરી, જેમાં તેમણે અદાલતના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે અદાલતે પુરાવાઓ અને સાક્ષીઓના આધારે નિર્ણય સંભળાવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ