
નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) ભારતીય મજદૂર સંઘ (બીએમએસ) સાથે સંકળાયેલા આર્મ્ડ ફોર્સિસ હેડક્વાર્ટર (એએફએચક્યુ) કેડરના ગ્રુપ 'બી' અને 'સી' કર્મચારીઓના માન્યતા પ્રાપ્ત સેવા સંઘોએ પોતાની માંગણીઓને લઈને આંદોલન કરવાની જાહેરાત કરી છે.
બીએમએસ દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, સંઘોએ આગામી 29 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યે દિલ્હીમાં આફ્રિકા એવન્યુ સ્થિત ડિફેન્સ ઓફિસ કોમ્પ્લેક્સ પર એક સંયુક્ત શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અગાઉથી જાણ કરી છે. કર્મચારી સંગઠનોનો આરોપ છે કે, સંરક્ષણ મંત્રાલયમાં ચાલી રહેલી વ્યાપક કેડર સમીક્ષામાં, નીચલા ગ્રેડના કર્મચારીઓની સળગતી સમસ્યાઓને ફરી એકવાર સંપૂર્ણપણે અવગણવામાં આવી રહી છે.
સંઘોના જણાવ્યા અનુસાર, સંયુક્ત સલાહકાર તંત્ર (જેસીએમ)ની બેઠકમાં પ્રશાસન દ્વારા પારદર્શિતા જાળવવા અને કર્મચારીઓ સાથે વિચાર-વિમર્શ કરવાનું જે આશ્વાસન આપવામાં આવ્યું હતું, જમીની સ્તરે તેનો કોઈ અમલ થયો નથી. કર્મચારીઓએ પોતાની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં સેક્શન ઓફિસર (એસઓ) ગ્રેડમાં 50 ટકા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કોટાને ઘટાડીને 10 ટકા કરવામાં આવે.
એએસઓ (ડીપી) માંથી એસઓ (નિયમિત) બનવામાં લાગતા 17-18 વર્ષના લાંબા સમયને ઘટાડીને, પદોન્નતિ પ્રક્રિયા ઝડપી કરવામાં આવે. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (એમટીએસ) ગ્રેડની છેલ્લા 15 વર્ષથી પડતર પ્રથમ પદોન્નતિને તરત જ લાગુ કરવામાં આવે. સંઘોએ ડેટા શેર કરતા જણાવ્યું કે, વર્ષ 2018 થી અત્યાર સુધી સેક્શન ઓફિસર (એસઓ)ની 368 ખાલી જગ્યાઓની સામે ફક્ત 12 સીધી ભરતી જ થઈ શકી છે, જે વર્તમાન વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે.
ભારતીય મજદૂર સંઘના રાષ્ટ્રીય મહામંત્રી ડો. દીપેન્દ્ર ચાહરે, આ સંબંધમાં પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, અમે પ્રશાસનને અમારી માંગણીઓને લઈને ઘણી વખત આવેદનપત્રો સુપરત કર્યા છે પરંતુ નીચલા ગ્રેડના કર્મચારીઓની સમસ્યાઓ આજે પણ યથાવત છે. આ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને અનુશાસિત રહેશે. અમારો એકમાત્ર ઉદ્દેશ્ય ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન આ ગંભીર વિષય તરફ ખેંચવાનો છે જેથી એએફએચક્યુ કેડરના કર્મચારીઓ સાથે ન્યાય થઈ શકે.
કર્મચારી સંઘોએ પ્રશાસનને ખાતરી આપી છે કે, આ પ્રદર્શનથી સરકારી કામકાજમાં કોઈપણ પ્રકારની અડચણ કે, વિક્ષેપ ઊભો થશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ