
નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) રણબીર કપૂર અભિનીત બહુપ્રતીક્ષિત પૌરાણિક ફિલ્મ 'રામાયણ: પાર્ટ 1'ને લઈને દર્શકોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. નિતેશ તિવારીના નિર્દેશન અને નમિત મલ્હોત્રાના નિર્માણમાં બનેલી આ મેગા બજેટ ફિલ્મના ટ્રેલરને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (સીબીએફસી) તરફથી મંજૂરી મળી ગઈ છે. હવે ફિલ્મનું ટ્રેલર 24 જુલાઈ 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે.
સીબીએફસી એ ટ્રેલરને 'યુ' પ્રમાણપત્ર પ્રદાન કર્યું છે. બોર્ડની વેબસાઇટ અનુસાર, ટ્રેલરનું એક સંસ્કરણ 4 મિનિટ 15 સેકન્ડ લાંબું છે, જ્યારે બીજું 4 મિનિટનું છે. બંને પ્રવેશો 'રામાયણ 3D'ના નામથી નોંધાયેલા છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ડિજિટલ અને સિનેમાઘરોમાં આમાંથી કયું સંસ્કરણ રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે ફિલ્મ ટ્રેલરોની સરખામણીમાં તેની અવધિ વધુ હોવાથી દર્શકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
ફિલ્મનું પહેલું ટીઝર, ગયા વર્ષે 3 જુલાઈના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજું ટીઝર આ વર્ષે હનુમાન જયંતિના અવસર પર રિલીઝ થયું, જેમાં રણબીર કપૂરના ભગવાન શ્રીરામના રૂપની પહેલી ઝલક બતાવવામાં આવી હતી. હવે દર્શકોને ફિલ્મના ટ્રેલરની રાહ છે, જેમાં ફિલ્મની વાર્તા અને ભવ્યતાની વિસ્તૃત ઝલક જોવા મળશે.
દિવાળી 2026 પર રિલીઝ થનારી 'રામાયણ: પાર્ટ 1' માં, રણબીર કપૂર સાથે સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે અને અરુણ ગોવિલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. મોટા પાયે તૈયાર કરવામાં આવી રહેલી આ ફિલ્મને ભારતીય સિનેમાની સૌથી મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક માનવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ