
નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) અજય દેવગણ, રિતેશ દેશમુખ અને અરશદ વારસી અભિનીત કોમેડી ફિલ્મ 'ધમાલ 4' બોક્સ ઓફિસ પર સતત મજબૂત પ્રદર્શન કરી રહી છે. ઇન્દ્ર કુમારના નિર્દેશનમાં બનેલી ફિલ્મે રિલીઝના છ દિવસમાં 89.75 કરોડ રૂપિયાનો નેટ બિઝનેસ કરી લીધો છે. દૈનિક કમાણીમાં હળવા ઘટાડા છતાં, ફિલ્મ 100 કરોડ ક્લબ તરફ ઝડપથી આગળ વધી રહી છે અને ઘરેલુ બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખી છે.
બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના શરૂઆતી આંકડાઓ અનુસાર, ફિલ્મે રિલીઝના છઠ્ઠા દિવસે (બુધવાર) 6.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ પહેલા ફિલ્મે પાંચમા દિવસે 9.50 કરોડ અને ચોથા દિવસે 8.75 કરોડ રૂપિયા કમાયા હતા. વિદેશી બજારમાં છઠ્ઠા દિવસે ફિલ્મે 1.25 કરોડ રૂપિયાની કમાણી કરી, જ્યારે વૈશ્વિક ગ્રોસ કલેક્શન 124.36 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
બીજી તરફ, આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ અભિનીત સ્પાય થ્રિલર 'આલ્ફા'ની કમાણી, સતત ઘટતી જઈ રહી છે. ફિલ્મે બીજા સપ્તાહના 13મા દિવસે ફક્ત 60 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો, જેના કારણે તેનું કુલ ઘરેલુ નેટ કલેક્શન 55.80 કરોડ રૂપિયા થઈ ગયું. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની પ્રથમ મહિલા પ્રધાન ફિલ્મ, બોક્સ ઓફિસ પર અપેક્ષાઓ મુજબ પ્રદર્શન કરી શકી નથી.
જ્યારે, અક્ષય કુમારની મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ની ગતિ પણ ધીમી પડી ગઈ છે. ફિલ્મે રિલીઝના 20મા દિવસે ફક્ત 50 લાખ રૂપિયાની કમાણી કરી. આ સાથે જ ફિલ્મનું કુલ ઘરેલુ નેટ કલેક્શન 131.35 કરોડ રૂપિયા થઈ ગયું છે. હાલમાં બોક્સ ઓફિસ પર 'ધમાલ 4' બંને ફિલ્મો પર સરસાઈ જાળવી રાખી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ