ડ્રોન દ્વારા ટીબી તપાસ સરળ બની, 15 દિવસને બદલે 5 દિવસમાં રિપોર્ટ મળ્યો
નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) ભારતમાં હવે ડ્રોન દ્વારા ટીબી (ક્ષય રોગ) ના કફના નમૂનાઓને લેબ સુધી પહોંચાડવાથી તપાસમાં લાગતો સમય ઘણો ઓછો થવાની સાથે જ દર્દીઓનો ખર્ચ પણ લગભગ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) ની ડ્રોન પહેલ હ
ડ્રોન


નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.) ભારતમાં હવે ડ્રોન દ્વારા ટીબી (ક્ષય રોગ) ના કફના નમૂનાઓને લેબ સુધી પહોંચાડવાથી તપાસમાં લાગતો સમય ઘણો ઓછો થવાની સાથે જ દર્દીઓનો ખર્ચ પણ લગભગ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) ની ડ્રોન પહેલ હેઠળ કરવામાં આવેલા એક અભ્યાસમાં પરંપરાગત વ્યવસ્થા અને ડ્રોન આધારિત નમૂના પરિવહન પ્રણાલીની તુલના કરવામાં આવી છે.

તેલંગાણાના યાદાદ્રી-ભુવનગિરી જિલ્લામાં એઈમ્સ બિબીનગર અને રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમના સહયોગથી કરવામાં આવેલા આ અભ્યાસમાં 840 લોકોને સામેલ કરવામાં આવ્યા. અભ્યાસ અનુસાર, ડ્રોન સેવા શરૂ થયા પછી ટીબી તપાસની સરેરાશ (મીડિયન) અવધિ 15 દિવસથી ઘટીને 5 દિવસ રહી ગઈ અને દર્દીઓનો સરેરાશ ખિસ્સામાંથી થતો ખર્ચ આશરે 9,451 રૂપિયાથી ઘટીને ફક્ત 91 રૂપિયા રહી ગયો. ડ્રોન વ્યવસ્થા દરમિયાન મોટાભાગના દર્દીઓને તપાસ માટે મુસાફરી પર કોઈ ખર્ચ કરવો પડ્યો નહીં. પરિયોજના હેઠળ 11 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 60 ઉપ-આરોગ્ય કેન્દ્ર અને 4 ટીબી યુનિટને ડ્રોન નેટવર્ક સાથે જોડવામાં આવ્યા. આનાથી દર્દીઓ પોતાના નજીકના આરોગ્ય કેન્દ્ર પર જ કફનો નમૂનો જમા કરાવી શક્યા અને ડ્રોન તેને તપાસ પ્રયોગશાળા સુધી પહોંચાડતા રહ્યા.

આઈસીએમઆરના મહાનિર્દેશક અને આરોગ્ય સંશોધન વિભાગના સચિવ ડો. રાજીવ બહલે જણાવ્યું કે, સમયસર અને સસ્તી તપાસ ટીબી નાબૂદી માટે અત્યંત જરૂરી છે. તેમનું કહેવું છે કે, આ અભ્યાસ દર્શાવે છે કે, આધુનિક ટેકનોલોજી દ્વારા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો સુધી આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચાડી શકાય છે. અભ્યાસમાં એ પણ સામે આવ્યું કે ડ્રોનના ઉપયોગથી આરોગ્યકર્મીઓનું કામ વધુ સરળ બન્યું અને સમુદાયે પણ આ વ્યવસ્થાને સકારાત્મક રીતે સ્વીકારી. જોકે, ખરાબ હવામાન, ડ્રોનની મર્યાદિત ભાર ક્ષમતા અને કર્મચારીઓની તાલીમ જેવી પડકારો પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત જણાવાઈ.

આઈસીએમઆર અનુસાર, આ અભ્યાસ હાલમાં એક જિલ્લાના અનુભવ પર આધારિત છે. વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં આવા વધુ અભ્યાસ કરવામાં આવ્યા પછી ભવિષ્યમાં ડ્રોન આધારિત આરોગ્ય સેવાઓના વિસ્તરણ પર નિર્ણય લેવામાં મદદ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande