
ઉત્તરકાશી (ઉત્તરાખંડ), નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિએ લગભગ બે વાગ્યે થયેલા અકસ્માતમાં જાનહાનિ થયાની માહિતી છે. પ્રારંભિક માહિતી અનુસાર, બડકોટ સાઇડથી લગભગ 900 મીટર અંદર ટનલની કોંક્રિટ (શૉટક્રીટ) લાઇનિંગનો એક બ્લોક તૂટીને પડી ગયો, જેના કારણે ઝારખંડ નિવાસી 21 વર્ષીય શ્રમિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
ઉત્તરકાશી જિલ્લા આપાતકાલીન સંચાલન કેન્દ્ર અનુસાર, અકસ્માત બાદ અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. શ્રમિકના મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને માળખાકીય વિકાસ નિગમ લિમિટેડ (એનએચઆઈડીસીએલ) એ વિસ્તૃત તપાસ શરૂ કરી દીધી છે. તથ્યપૂર્ણ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વહીવટીતંત્ર અને સંબંધિત એજન્સીઓ પણ તપાસમાં લાગી છે. અધિકારીઓ અનુસાર, ટનલ નિર્માણ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. પીડિત પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્યએ ઘટનાની નોંધ લેતા ઉપજિલ્લા મેજિસ્ટ્રેટ બડકોટને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. તેમણે એસડીએમને ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો વિસ્તૃત તાગ મેળવવા, અકસ્માતના વાસ્તવિક કારણોની તપાસ કરવા તથા કાર્યકારી સંસ્થા દ્વારા અપનાવવામાં આવી રહેલા સુરક્ષા ધોરણોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવા જણાવ્યું છે.
જિલ્લા મેજિસ્ટ્રેટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, મૃતકના પરિવારજનોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવે અને તમામ આવશ્યક કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. સાથે જ ટનલની અંદર કાર્યરત અન્ય શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવશ્યક પગલાં તાત્કાલિક લેવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ