
ગ્લાસગો, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) ભારતે રાષ્ટ્રમંડળ રમતગમત 2026માં પોતાનું પદક ખાતું ખોલી દીધું છે. ભારતીય પેરા પાવરલિફ્ટર ઝંડુ કુમારે, શુક્રવારે મોડી રાત્રે પુરુષોની હેવીવેઇટ પેરા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં, કાંસ્ય પદક જીતીને દેશને રમતોનો પ્રથમ પદક અપાવ્યો.
ગ્રુપ-બી માં સ્પર્ધા કરતા ઝંડુ કુમારે પ્રથમ પ્રયાસમાં 181 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉઠાવ્યું. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેમણે 190 કિલોગ્રામ વજન ઉઠાવીને પોતાની સ્થિતિ મજબૂત કરી. ત્રીજા પ્રયાસમાં તેમણે 196 કિલોગ્રામ વજન ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં સફળ થઈ શક્યા નહીં.
72.4 કિલોગ્રામ શરીર ભારવાળા ઝંડુ કુમારને, તેમના શ્રેષ્ઠ સફળ પ્રયાસના આધારે 130.9 અંક મળ્યા. તેઓ ગ્રુપ-બી માં પ્રથમ સ્થાને રહ્યા. અંતિમ પરિણામ ગ્રુપ-એ અને ગ્રુપ-બી ના ખેલાડીઓના અંકોને, શરીરના વજન અને સફળ લિફ્ટના આધારે ભેગા કરીને તૈયાર કરવામાં આવ્યા, જેમાં ઝંડુ ત્રીજા સ્થાને રહ્યા અને કાંસ્ય પદક પોતાના નામે કર્યો.
નાઇજીરીયાના રિલુવાન ઇદ્રીસે 132.8 અંક સાથે સુવર્ણ પદક જીત્યો, જ્યારે ઇંગ્લેન્ડના મેથ્યુ હાર્ડિંગે 131.0 અંક મેળવીને રજત પદક પોતાના નામે કર્યો. ઝંડુ કુમાર માત્ર 0.1 અંકના અંતરથી રજત પદકથી ચૂકી ગયા.
ભારતીય ખેલાડીએ, મલેશિયાના નિકોડેમસ મંગોઈ મોસેસ (120.3 અંક) ને પાછળ છોડીને ત્રીજું સ્થાન મેળવ્યું.
ભારતના એક અન્ય પેરા પાવરલિફ્ટર સુધીર, જેમણે ગ્રુપ-એ માં ભાગ લીધો હતો, તેમણે 182 કિલોગ્રામ અને 183 કિલોગ્રામના સફળ પ્રયાસો કર્યા. જોકે તેમનો ત્રીજો પ્રયાસ 211 કિલોગ્રામ પર અસફળ રહ્યો. કુલ 114.1 અંક સાથે તેઓ પદક જીતવાથી ચૂકી ગયા.
ઝંડુ કુમારના કાંસ્ય પદક સાથે ભારતે, ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતગમત 2026માં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ