
જૂનાગઢ 3 જુલાઈ (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લા સહીત અન્ય જિલ્લાઓમાંમાં આગામી ૨૪ કલાક દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તેમજ માંગરોળ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે.
આગામી ૨૪ કલાકમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટરયોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક કામગીરી માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપી શકાય.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે ભારે વરસાદ દરમિયાન નદી-નાળા, ચેકડેમ, ડેમ સાઇડ તેમજ પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળે. ખાસ કરીને બાળકોને આવા જોખમી સ્થળોએ ન જવા દેવા અને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત, કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તંત્રને તાત્કાલિક જાણ કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ