


- ઘટનાને પગલે સયાજી હોસ્પિટલમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
વડોદરા, 03 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પરિસરમાં બહુમાળી ઈમારતનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. જે ઈમારતના નવમા માળે કામ કરી રહેલા જગન્દુ ચૌહાણ નામનો યુવક અચાનક સીડી પરથી પડી જતા સાથી કર્મચારીઓ તાત્કાલિક સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર હાજર હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.
પ્રથમ દ્રષ્ટિએ આ અકસ્માત હોવાનું જણાય છે, પરંતુ વાત કરીએ સયાજી હોસ્પિટલના પી.આઈ.યુ વિભાગ અને આ ઈમારતના કોન્ટ્રાક્ટર નીલકંઠ કંપનીના સંચાલકોની તો આ તમામ જવાબદાર લોકો દ્વારા કન્સ્ટ્રક્શન સાઇડ પર કામ કરતા મજૂરોની સુરક્ષા પ્રત્યેની બેદરકારીના સમાચાર અવારનવાર પ્રકાશિત થયા છે. ચાર દિવસ અગાઉ પણ આ જ બહુમાળી ઈમારતમાં સેફટી બેલ્ટ વગર કામ કરતા મજૂરોના સમાચાર પ્રકાશિત કર્યા હતા સાથે જ તે અંગે પીઆઇઓ વિભાગના અધિકારી મહેશ દવેનું પણ ધ્યાન દોર્યું હતું. જ્યારે થોડા સમય અગાઉ એક મહિલા મજુર ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જે તે સમયે પીઆઇઓ વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર મામલો સગે વગે કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આજે આ યુવકના મોત બાદ ફરી સયાજી હોસ્પિટલના પી.આઇ.યુ વિભાગના અધિકારી અને નીલકંઠ ઇન્ફ્રાના સંચાલકો ફરી એક વાર દોડતા થયા હતા.
સમગ્ર મામલે મોડા મોડા પણ પી.આઈ.યુ વિભાગના અધિકારી મહેશ દવે ઇમરજન્સી વિભાગ પહોંચ્યા હતા. આમ તો આ અધિકારી મહેશ દવે જ્યારે પણ આ કોન્ટ્રાક્ટરની બેદરકારી નો કિસ્સો પ્રકાશમાં આવે તો કડક કાર્યવાહી કરવાની બદલે ફક્ત મૌખિક ચેતવણી આપીને સંતોષ માણે છે. તેવી જ રીતે આજે પણ તેઓએ ઘટનાની જાણ નહીં હોવાનું અને યુવકનું મોત આકસ્મિક કે હૃદય રોગના હુમલા થી થયું હોવાનું જણાવ્યું હતું. સાથે જ પોતાનો બચાવ કરતા તેઓએ પીઆઇઓના ઇલેક્ટ્રીક વિભાગ પર દોષનો ટોપલો પણ ઢોળવા ની કોશિશ કરી હતી
સમગ્ર મામલે સયાજી હોસ્પિટલનું તંત્ર દોડતુ થયું હતું અને ઘટનાની જાણ રાવપુરા પોલીસ મથકને કરી હતી જે બાદ હવે સમગ્ર મામલાની રાવપુરા પોલીસ હવે તપાસ કરશે. અને જો સૂત્રોએ આપેલી માહિતી માનીએ તો આ યુવકને કરંટ લાગવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા એ પણ સયાજી હોસ્પિટલના પરિસરમાં જોર પકડ્યું છે. ત્યારે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચોહાણે સમગ્ર મામલો તપાસનો વિષય હોવાનું જણાવ્યું હતું અને હવે રાવપુરા પોલીસ ની તપાસ અને પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત સામે આવે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ