

વડોદરા, 03 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આજે અચાનક એક શાહુડી ઘૂસી આવતાં પોલીસ કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સ્ટેશન પરિસરમાં જંગલી પ્રાણી દેખાતા કર્મચારીઓ ઉપરાંત કામકાજ માટે આવેલા અરજદારોમાં પણ કૌતૂહલ અને થોડો સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી શાહુડીને સુરક્ષિત રીતે પકડી લીધી હતી.
સમગ્ર રેસ્ક્યુ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નહોતી. વન વિભાગની સમયસરની કામગીરીને કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી હતી.
વન વિભાગના અધિકારીઓએ રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ શાહુડીને તેના કુદરતી રહેઠાણમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે પોલીસ સ્ટેશનમાં લોકોની ભીડ અને ઉત્સુકતા જોવા મળી હતી, જોકે બાદમાં સ્થિતિ સામાન્ય બની ગઈ.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ