

અંબાજી, 03 જુલાઈ (હિ.સ.) : બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. વરસાદ ખેંચાતા વરુણદેવને રિઝવવાના સંકલ્પ સાથે અંબાજીના તમામ બજારો જડબેસલાક બંધ રાખવામાં આવ્યા.વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખી અને વરસાદ માટે પ્રાર્થના સાથે વનભોજનનું આયોજન કર્યું. બીજી તરફ અંબાજીના શિવાલયોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થઈ સારા વરસાદ માટે ભગવાન શિવને પ્રાર્થના કરતા નજરે પડ્યા.બજારો બંધ રહેવાના અહેવાલો વાયુવેગે ફેલાતા અંબાજી મંદિરમાં યાત્રિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સામાન્ય દિવસોમાં ધમધમતા બજારો આજે સંપૂર્ણ સૂમસામ જોવા મળ્યા.અંબાજીના અનેક શોપિંગ સેન્ટરો પણ બંધ રહ્યા. સમગ્ર બજાર વિસ્તારમાં માત્ર થોડાં સ્થાનિક વાહનો અને ગણતરીના સ્થાનિક લોકો જ જોવા મળ્યા, જેના કારણે સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો.
જોકે શાળાઓ નિયમિત રીતે ચાલુ રહેતાં વેપારીઓમાં વનભોજનના આયોજનને લઈને કેટલીક મૂંઝવણ પણ જોવા મળી. વરસાદ માટે સામૂહિક પ્રાર્થના અને બજારોના સ્વૈચ્છિક બંધને કારણે આજે અંબાજીમાં અનોખું અને ચર્ચાસ્પદ વાતાવરણ સર્જાયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ