પોરબંદર જિલ્લામાં જુલાઈ માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે અરજીઓ મંગાવાઈ
પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ લોકોના પ્રશ્નો અને ફરિયાદોનો ઝડપી તેમજ અસરકારક નિકાલ થાય તે હેતુથી દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત જુલાઈ-2026 માસનો પોરબંદર જિલ્લા
પોરબંદર જિલ્લામાં જુલાઈ માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટે અરજીઓ મંગાવાઈ


પોરબંદર, 03 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ લોકોના પ્રશ્નો અને ફરિયાદોનો ઝડપી તેમજ અસરકારક નિકાલ થાય તે હેતુથી દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત જુલાઈ-2026 માસનો પોરબંદર જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાનાર હોવાથી પોરબંદર જિલ્લાના નાગરિકોને તેમના વિવિધ સરકારી ખાતા અથવા વિભાગને લગતા લાંબા સમયથી અનિર્ણિત રહેલા પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરવા અરજીઓ મંગાવાઈ છે.

નાગરિકોના પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કે લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલવાના રહેશે અને અરજદારોએ પોતાના પ્રશ્નોની અગાઉ સંબંધિત વિભાગમાં કરેલી રજૂઆતનો આધાર, તે અંગે મળેલા જવાબ અથવા પ્રત્યુત્તરની નકલ અરજી સાથે જોડવાની રહેશે. અગાઉ રજૂ કરાયેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવતો હોય તો અગાઉના પ્રશ્નનો ક્રમાંક તથા માસનું નામ દર્શાવવું ફરજિયાત રહેશે.

અરજીમાં અરજદારનું પૂરું નામ, સંપૂર્ણ સરનામું, મોબાઇલ નંબર તથા અરજદારની સહી ફરજિયાત હોવી જોઈએ. સહી વગરની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. અરજી સ્પષ્ટ, મુદાસર અને જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરવાની રહેશે. અલગ-અલગ વિષયોને લગતા પ્રશ્નો અલગ-અલગ અરજીઓમાં રજૂ કરવાના રહેશે. કાર્યક્રમ દરમિયાન અરજદાર પોતાના પ્રશ્ન અંગે જરૂરી આધાર-પુરાવા સાથે જાતે રજૂઆત પણ કરી શકશે.સરકારી કર્મચારીઓના નોકરી સંબંધિત પ્રશ્નો તેમજ કોર્ટમાં વિચારાધીન (સબ જ્યુડિસ) બાબતો આ કાર્યક્રમમાં સ્વીકારવામાં આવશે નહીં.

આ કાર્યક્રમ માટે અરજીઓ તા. 10 જુલાઈ, 2026 સુધીમાં કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે મોકલવાની રહેશે. ઉપરાંત, 1 થી 10 જુલાઈ દરમિયાન સ્વાગત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી પણ કરી શકાશે. વધુ માહિતી માટે જિલ્લા સેવા સદન-1, કલેક્ટર કચેરી, પોરબંદરનો સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande