વન વિકાસ નિગમમાં કથિત ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત
વડોદરા , 03 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરની દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે આજે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ, પોર (વડોદરા)માં કથિત ભ્રષ્ટાચાર, હાજરી પત્રકમાં ગેરરીતિઓ અને સરકારી નાણાંના દુરુપયોગના આક્ષેપોને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કર
રજૂઆત


વડોદરા , 03 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરની દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે આજે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ, પોર (વડોદરા)માં કથિત ભ્રષ્ટાચાર, હાજરી પત્રકમાં ગેરરીતિઓ અને સરકારી નાણાંના દુરુપયોગના આક્ષેપોને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

અરજદારોના જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડની પોર કચેરીમાં લાંબા સમયથી હાજરી પત્રકમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાના આક્ષેપો છે. જેમાં ખોટી હાજરી નોંધવી, ગેરહાજર કર્મચારીઓને હાજર દર્શાવવા, સરકારી રેકોર્ડમાં ચેડાં કરવા તેમજ સરકારી નાણાંના સંભવિત દુરુપયોગ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

રજૂઆતમાં જણાવાયું છે કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત લેખિત અરજીઓ કરવામાં આવી હતી. મેનેજિંગ ડિરેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક તપાસ કે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી.

અરજદારોનો આક્ષેપ છે કે અગાઉ કરાયેલી રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની શંકા ઉભી થઈ રહી છે. જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવી હોત તો અત્યાર સુધીમાં સમગ્ર મામલો સ્પષ્ટ થઈ ગયો હોત તેમ પણ રજૂઆતમાં જણાવાયું છે.

જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી અરજીમાં સમગ્ર મામલાની સ્વતંત્ર, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરાવવા તેમજ જો કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

હવે અરજદારોની નજર જિલ્લા તંત્રની કાર્યવાહી પર છે કે આ ગંભીર આક્ષેપોની તપાસ માટે કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવે છે કે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande