
જામનગર, 03 જુલાઈ (હિ.સ.) : મહેસૂલ વિભાગના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, મજબૂત અને પ્રજાભિમુખ બનાવવાના હેતુથી જામનગર જિલ્લામાં જમીન દફતર ખાતાની કામગીરીનું તાલુકા કક્ષાએ મહત્વપૂર્ણ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી હેઠળ અગાઉ કાર્યરત DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-2), સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ અને હક્કચોક્સી અધિકારી જેવી જગ્યાઓના નામાભિધાન સુધારીને હવે ‘ જમીન દફતર નિરીક્ષક વર્ગ-2’ કરાયા છે.
નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે અને ઘરઆંગણે જ ત્વરિત સેવાઓ મળી રહે તે માટે જિલ્લામાં 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ શરૂ કરાઈ છે, જેમાં સરળ વહીવટ માટે પ્રત્યેક કચેરીમાં 10થી 11 કર્મચારીઓનો સ્ટાફ પણ નિયુક્ત કરાયો છે.
જામનગર શહેરની જમીન દફતર નિરીક્ષક કચેરી, મોજણી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવાસદન, શરૂ સેકશન રોડ, તેમજ જામનગર ગ્રામ્યની જમીન દફતર નિરીક્ષક કચેરી જામનગર ગ્રામ્ય, સેવાસદન-3, લાલ બંગલો કંપાઉન્ડ, પ્રથમ માળ, તેમજ કાલાવડમાં જમીન દફતર નિરીક્ષક કચેરી કાલાવડ, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, ધોરાજી રોડ, તેમજ ધ્રોલમાં જમીન દફતર નિરીક્ષક કચેરી ધ્રોલ, જૂનું કોર્ટ બિલ્ડિંગ, જોડિયા નાકા પાસે, જોડિયા રોડ તેમજ જોડીયામાં જમીન દફતર નિરીક્ષક કચેરી જોડીયા, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, તેમજ લાલપુરમાં જમીન દફતર નિરીક્ષક કચેરી લાલપુર, જ્ઞાનદિપ વિદ્યામંદિર, પટેલ શેરી, જૂની શાક માર્કેટ રોડ તેમજ જામજોધપુરમાં જમીન દફતર નિરીક્ષક કચેરી જામજોધપુર, સ્ટેશન પ્લોટ, અંજુ ભગવાનદાસ પારવાણીનું મકાન, મામલતદાર કચેરી સામે કાર્યરત કરવામાં આવી છે.
આ નવી વ્યવસ્થા અમલી બનતા અગાઉ જે નાગરિકોએ પ્રોપર્ટી કાર્ડ માટે સિટી સર્વે કચેરીએ અને જમીન માપણી માટે ડી.આઈ.એલ.આર. કચેરીએ અલગ-અલગ ધક્કા ખાવા પડતા હતા, તેનાથી મુક્તિ મળશે. હવે તાલુકા કક્ષાની આ એક જ કચેરીમાંથી જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, તેમજ સ્વામિત્વ યોજના સહિતની તમામ સેવાઓ એકસાથે અને ઝડપથી મળી રહેશે.
જામનગર જિલ્લાના તમામ નાગરિકોને જમીન રેકર્ડ, માપણી અને પ્રોપર્ટી કાર્ડ સહિતની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે પોતાના તાલુકાની સંબંધિત કચેરીનો સંપર્ક સાધવા કલેક્ટર પી.બી.પંડ્યા તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્સ કમ એકત્રીકરણ અધિકારી એચ.એસ. રબારી દ્વારા મારફત ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના તમામ તાલુકા મથકોએ જમીનના રી-સર્વે માટેની મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડીંગ પડી છે. ત્યારે જોડીયામાં પણ 2800 જેટલી જમીન રી-સર્વેની અરજીઓ લાંબા સમયથી પેન્ડીંગ હતી. જેથી ત્યાં કામગીરી કરવામાં આવી હતી અને ગત સપ્તાહમાં જ 744 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt