



વડોદરા, 03 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં ફરી એકવાર ફાયરિંગ જેવી ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા વધારી છે. ગોત્રી વિસ્તારમાં આવેલા એરિના-48 એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની બાલ્કનીમાં ગોળી આવી લાગ્યાની આશંકા વ્યક્ત થતાં રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ, એરિના-48 એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટ નંબર-201ની બાલ્કની તરફ ગોળી આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોળી બાલ્કનીનો કાચ તોડીને સીધી ડ્રોઇંગ રૂમ સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી કે જાનહાનિ થઈ નથી. ઘટના સમયે અચાનક ગોળી જેવો અવાજ સંભળાતા ફ્લેટના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વડોદરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લઈ તપાસ શરૂ કરી હતી.
પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. ગોળી ક્યાંથી ચલાવવામાં આવી અને તેના પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક તપાસ તેમજ અન્ય ટેક્નિકલ માહિતીના આધારે સઘન તપાસ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ હાલ તમામ સંભવિત દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સાચી હકીકત સામે આવશે. આ ઘટનાએ શહેરના રહેવાસીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી છે, જ્યારે જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવા માટે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ