જામનગર શહેરમાં અતિભારે વરસાદની આગાહી : જામજોધપુર પંથકમાં 6 ઈંચ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ
જામનગર, 03 જુલાઈ (હિ.સ.) : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. ગુરૂવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 140 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે વરસાદ
વરસાદ


જામનગર, 03 જુલાઈ (હિ.સ.) : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. ગુરૂવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 140 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. જેમાં જામનગરના જામજોધપુરમાં માત્ર ચાર કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ થતાં નદી-નાળા છલકાયા છે. ત્યારે હવે આજે ત્રીજી જુલાઈએ જામનગર શહેરમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં ચોમાસાએ હવે જોર પકડવાનું શરૂ કર્યું છે. ગુરુવારે જામજોધપુર તાલુકામાં મેઘરાજાએ પ્રથમ જ રાઉન્ડમાં તોફાની બેટિંગ કરતાં માત્ર ચાર કલાકના સમયગાળામાં 6.22 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નદી-નાળામાં નવા નીરની આવક થઈ હતી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

ગુરુવારે બપોરે લગભગ બે વાગ્યાથી હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને સમગ્ર આકાશ કાળા ઘેરા વાદળોથી છવાઈ ગયું હતું. બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીના સમયગાળામાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ બપોરે ચાર વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં વધુ 4 ઇંચ જેટલો વરસાદ વરસાવતા કુલ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને કારણે જામજોધપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના આગમનથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા અન્નદાતાઓએ હાશકારો અનુભવ્યો હતો. જિલ્લાના જોડિયા તાલુકામાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. સવારે 6 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી અને સવારે 8 વાગ્યાથી દસ વાગ્યા દરમિયાન અંદાજે એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

જ્યારે કાલાવડ તાલુકામાં બપોરથી હવામાનમાં પલટો આવ્યો હતો અને શહેરમાં અંદાજે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યાના અહેવાલો મળી રહ્યા છે. લાલપુર તાલુકામાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જામનગર શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande